ભાવનગરના ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ નજીક ગંભીર માર્ગ અકસ્માતની ઘટનામાં ગુજરાત સરકારે તરત જ કાર્યવાહી હાથ ધરી છે. ગંભીરરીતે ઘાયલ થયેલાઓને તાત્કાલિક સારવાર મળે તથા જરૂર પડે ત્યારે ન્યુરોસર્જનથી માંડી અન્ય ખાનગી હોસ્પિટલોની પણ સેવા લઇને ઇજાગ્રસ્તોને બચાવવા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતે સ્થાનિક વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં રહ્યા છે. બચાવ કામગીરી અંગે પણ માહિતી મેળવી રહ્યા છે. રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સમગ્ર દુર્ઘટના અંગે ભારે દુઃખ અને શોક વ્યકત કરવાની સાથે સાથે રાજય સરકાર તરફથી મૃતકોના પરિવારજનોને રૂ.ચાર-ચાર લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ રાજયના મુખ્યમંત્રી રાહત ફંડમાંથીઆ સહાય આપવાની જાહેરાત કરી હતી. સાથે સાથે જેટલા લોકો આ ગોઝારા અકસ્માતમાં ઘાયલ થયા છે, તે તમામની સારવારનો ખર્ચ રાજય સરકાર ઉઠાવશે તેવી પણ જાહેરાત કરી હતી. બીજીબાજુ, સમગ્ર ઘટનામાં કસૂરવાર ડ્રાઇવર ફરાર હોઇ મુખ્યમંત્રીએ આ ગોઝારો અકસ્માત કેવી રીતે બન્યો અને તે માટે કોણ જવાબદાર છે તે સહિતની તમામ બાબતોની તપાસ માટે જરૂરી આદેશો પણ જારી કર્યા હતા. દુર્ઘટનાની જાણ થતાં જ મુખ્યમંત્રી રૂપાણી સાથે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાતચીત કરી હતી અને મૃતકોના પરિજનોને સહાય અને ઇજાગ્રસ્તોને સારવાર સંબંધી જરૂરી સૂચનાઓ પણ મુખ્યમંત્રીને આપી હતી. વડાપ્રધાને ખુદ મૃતકના પરિવારજનોને શોક સાંત્વના પાઠવી હતી. તો, ભાજપના અન્ય નેતાઓ અને મંત્રીઓએ પણ મૃતકના પરિજનોને ભારે હૈયે દિલસોજી પાઠવી હતી. અકસ્માતમાં વરરાજાના પરિવારમાં આઘાતનું મોજુ ફરી વળ્યું છે.