નર્મદા બંધે ૧૩૮ મી. ઐતિહાસિક સપાટીને વટાવી

602

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમે આજે ૭૦ વર્ષમાં સૌ પ્રથમવાર ૧૩૮ મીટરની ઐતિહાસિક સપાટી વટાવી દેતાં ગુજરાતભરના લોકોમાં ખુશીની લાગણી છવાઇ ગઇ છે. ખાસ કરીને ખેડૂતોમાં નર્મદા ડેમ છલોછલ ભરાઇ જતાં ખુશીનો કોઇ પાર નથી રહ્યો. હાલ નર્મદા ડેમની સપાટી ૧૩૮.૦૮ મીટરને વટાવી ગઇ છે. ડેમમાં હાલ પાણીની આવક ૭ લાખ ૪૮ હજાર ક્યુસેક થઈ રહી છે, જ્યારે ડેમના ૨૩ દરવાજા ખોલીને હાલ ૭ લાખ ૧૭ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે નદી કાંઠાના ૧૭૫ ગામને એલર્ટ કરી તમામ ગામોમાં તાલુકા વિકાસ અધિકારીઓ અને સરપંચો સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. સરદાર સરોવર નિગમ લિમિટેડના એમડી રાજીવ ગુપ્તાએ ટ્‌વીટ કરીને કહ્યું છેકે, ૧૭૫ ગામો અને ત્રણ જીલ્લામાં હાઈટાઈડના કારણે ભરૂચ શહેરમાં પુરની સ્થિતિ પર કાબુ મેળવવા વધુ સ્ટોરેજની જરૂરીયાત દેખાઈ રહી છે. જીલ્લા વહીવટી તંત્રને આઉટફ્લો કંટ્રોલ કરવા માટે કહેવામાં આવ્યું છે. નર્મદા ડેમમાં પાણીની આવક ઉલ્લેખનીય વધી જતા ખુશીનું મોજુ ફરી વળ્યું છે. ગુજરાતની જીવાદોર સમાન નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ પુર્ણ રીતે ભરાવવાની ઐતાહિસાક ઘટનાનો ઉત્સવ નવામી દેવી નર્મદે મહોત્સવ રાજ્યમાં ૧૭મી સપ્ટેમ્બરે ઉજવાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના માર્ગદર્શનમાં ઉજવણીના કાર્યક્રમોને આખરી ઓપ આપવામાં આવી ચુક્યો છે.

આ ઉજવણીમાં જીલ્લા કક્ષાના કાર્યક્રમ હેઠળ ૧૭મી સપ્ટેમ્બરે જે જીલ્લા મથકે આ ઉજવણી થવાની છે તે ગામ કે નગરમાં સવારે નવ વાગ્યાથી દસ વાગ્યા સુધી નદીકાંઠાના તળાવો અને ચેકડેમમાં સાફ સફાઈ કરવામાં આવશે. મહા આરતી સાથે દસ વાગે લોક માતા મા નર્મદા નીરના વધામણા કરવામાં આવશે. મહા આરતી બાદ જીલ્લા કક્ષાના કાર્યક્રમ હેઠળ વૃક્ષારોપણ હેઠળ ગ્રીન ગુજરાતની નેમ સાકાર કરવામાં આવશે. દરમ્યાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આગામી તા.૧૭ સપ્ટેમ્બરે નર્મદા ડેમના સંકલ્પને સિધ્ધિ સુધી પહોંચાડનાર યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પર બાંધવામાં આવેલ સરદાર સરોવર ડેમ તેની મહત્તમ સંગ્રહ ક્ષમતા સુધી ભરાવા જઇ રહ્યો છે. સરદાર સરોવર ડેમ યોજનાની પૂર્ણતાનું વર્ષો જુનું સ્વપ્ન સાકાર થવા જઇ રહ્યુ છે.બીજીબાજુ, નર્મદા ડેમ છલોછલ ભરાઇ જતાં સમગ્ર ખેડૂતઆલમ સહિત રાજયનો પ્રત્યેક નાગરિક ખુશી અને ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે.

તાપીના ડોલવણમાં છ ઇંચથી વધુ વરસાદ : જનજીવન ઠપ

વરસાદી સિસ્ટમ ફરી એકવાર જોરદાર રીતે સક્રિય થતા ગુજરાતના મોટાભાગોના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. મોનસુન સક્રિય રહેતા પંચમહાલ, દાહોદ, નવસારી, વલસાડ, ડાંગ, મહીસાગરમાં ભારે વરસાદ થયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વિવિધ જગ્યાએ ભારે વરસાદ થયો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં વરસાદી માહોલ રહ્યો છે. ઉત્તરપશ્વિમ        મધ્યપ્રદેશ પર લો પ્રેશર એરિયા સર્જાતા ફરીએકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આગામી પાંચ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તાપીના ડોલવણમાં છેલ્લા ૨૪ કલાકમાં છ ઇંચ વરસાદ પડી ચુક્યો છે. વલસાડના કપરાડામાં ચાર ઇંચથી વધુ વરસાદ થયો છે. ઉમરગામમાં ૨ થી ૪ ઇંચ સુધીનો વરસાદ થયો છે. વરસાદી માહોલ અકબંધ રહેતા અનેક જગ્યાઓએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની સવારી યથાવત જોવા મળી રહી છે. તાપી જિલ્લાના ડોલવણમાં છેલ્લા ૨૪ કલાકમાં છ ઈંચથી વધુ વરસાદ ખાબકતાં સમગ્ર પંથકમાં જાણે કે, જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. સામાન્ય જનજીવન ભારે વરસાદ વચ્ચે જાણે કે, ઘમરોળાયુ હતુ. આ સિવાય, નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં ૧૨૩ મીમીથી વધુ એટલે કે, પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.

વલસાડ, વાપી, ઉમરગામ, પારડી, ડાંગ, આહવા, વઘઇ, સુરતના બારડોલી, ચોર્યાસી, માંગરોળ, ઓલપાડ, ઉમરપાડા સહિતના પંથકોમાં પણ ધોધમાર વરસાદના કારણે નદી-નાળાઓ છલકાયા હતા અને રસ્તાઓ પર જાણે કે, નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. બીજીબાજુ, દક્ષિણ ગુજરાતા પંથકોમાં સતત વરસી રહેલા વરસાદ અને વરસાદી વાતાવરણના કારણે રોગચાળાએ માથુ ઊંચક્યું છે. શરદી-ખાંસીના દર્દીઓની સંખ્યા દિવસે દિવસે વધતી જોવા મળી રહી છે. સતત વરસી રહેલા વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરક થઈ ગયા છે તે દિવસો વીતવા છતાં બહાર નીકળ્યાં નથી. જેથી અમુક લોકોએ સ્થળાંતરિત થઈને જ્યાં છે ત્યાં જ રહેવાની ફરજ પડી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી ઓછા થાય કે તરત ફરી વરસાદ ખાબકે એટલે નવસારી,વલસાડ અને તાપીના અમુક વિસ્તારો સતત પાણીમાં જ ગરકાવ હોય તેવી સ્થિતિ એકાદ અઠવાડીયાથી જોવા મળી રહી છે. જેને લઇ સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. તો, વડોદરાના વાઘોડિયાના દેવ ડેમમાં પણ નવા નીરની આવક થતાં મોટાપાયે પાણી છોડાતાં કાંઠાના આઠ ગામોને એલર્ટ કરાયા હતા. સુરેન્દ્રનગરમાં સૌકા ગામમાં નાળુ તૂટતાં વરસાદી પાણી આસપાસના સમગ્ર વિસ્તારમાં ફરી વળતાં લોકો બહુ મોટી હાલાકીમાં મૂકાયા હતા.

રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી

અમદાવાદ રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રનાં કેટલાક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. મુખ્યત્વે અરવલ્લી, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, વલસાડ, નવસારી, સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની સવારી યથાવત જોવા મળી છે. તાપી જિલ્લાનાં ડોલવણમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૬ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ સાથે જ નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામાં ૪.૯ ઇંચ વરસાદ નોંધાયો છે. સતત વરસાદને કારણે નવસારી,વલસાડ અને તાપીના અનેક વિસ્તારો સતત પાણીમાં જ ગરકાવ હોય તેવી સ્થિતિ છેલ્લાં એક અઠવાડીયાથી જોવા મળી રહી છે. ત્યારે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.  આ ઉપરાંત કચ્છનું સફેદ રણ આ વખતે ભારે વરસાદના કારણે જાણે કે સમુદ્રમાં ફેરવાઈ ગયું હોય તેમ ભારે પાણી ભરાઈ ગયા છે. સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર રણોત્સવ વખતે પ્રવાસીઓ જે વિસ્તારમાં ફરવા આવે છે ત્યાં હાલ બે-અઢી ફૂટ જેટલા પાણી ભરેલા છે. પરિણામે નવેમ્બર માસાથી શરૂ થતા રણોત્સવમાં મુલાકાતીઓને સફેદ રણનો નયનરમ્ય નજારો નિહાળવા મળશે નહીં તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Previous articleસિહોરમાં નરેન્દ્ર મોદીના આગમી જન્મ દિવસ નિમિત્તે ફ્રી થેરોપી કેમ્પનું આયોજન
Next articleઉત્તર બુનિયાદી વિદ્યાલય શેત્રુંજી ડેમ શાળામાં  હિન્દી દિવસની ઉજવણી કરાઈ