મંગળવારે અમંગળ ઘટના : લગ્નગીતો મરશીયામાં ફેરવાયા

710
bvn732018-20.jpg

ભાવનગર જિલ્લાના રંઘોળા ગામ નજીક આજે સવારે અનિડાથી ટાટમ જઈ રહેલા જાનના ટ્રકે રંઘોળા નદીના પુલ પરથી ગુલાટ મારતા ૩૧ જાનૈયાઓના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. આ બનાવના પગલે ભાવનગર શહેર-જિલ્લા સહિત રાજ્યભરમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. બનાવની જાણ થતાં ૧૦૮, પોલીસ, રાજકિય આગેવાનો તેમજ આસપાસના ગ્રામજનો ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલ ખાતે બચાવ કામગીરી માટે દોડી ગયા હતા. આજે મંગળવારે અમંગળ ઘટના બનતા લગ્નગીતો મરશીયામાં ફેરવાયા હતા. સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો હતો અને ગામના લગભગ તમામ ઘરના એક-બે વ્યક્તિઓના આ ગોઝારા અકસ્માતમાં મૃત્યુ થયા હોય સમગ્ર ગામમાં કોણ કોને છાનું રાખે તેવી પરિસ્થિતિ સર્જાવા પામી હતી. અકસ્માતના બનાવમાં ર૦ મહિલા અને પાંચ બાળકો સહિત ૩૧ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા.  
આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગત મુજબ, ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના અનિડા ગામે રહેતા પ્રવિણભાઈ કોળીના પુત્ર વિજયના લગ્ન ગઢડા તાલુકાના ટાટમ ગામના વલ્લભભાઈ રામશંગભાઈ નંદાશીયાની પુત્રી સાથે આજે થવાના હોય આજે સવારે અનિડા ગામેથી ૭૦ જેટલા લોકો ટ્રક નં.જીજે૧૪ ટી ૪૯૪૬માં બેસીને જાન લઈ ટાટમ ગામ જવા રવાના થયા હતા. દરમિયાન ૭-૩૦ વાગ્યાના સુમારે જાનનો ટ્રક ભાવનગર-રાજકોટ હાઈવે પર રંઘોળા નજીક પહોંચતા રંઘોળી નદીના પુલ પરથી કોઈ કારને બચાવવા જતાં ટ્રક ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા રપ ફુટ ઉંચા પુલ પરથી ટ્રક નીચે ખાબક્યો હતો અને જાનૈયાઓ ટ્રકની નીચે દબાઈ જવા પામ્યા હતા. આ બનાવ બનતા જ જાનૈયાઓની ચીસાચીસ અને આક્રંદ છવાયો હતો. બનાવ બનતા જ આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જ્યારે આજુબાજુના ગામલોકો પણ બનાવ બનતાની સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ટ્રક નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટેની વ્યવસ્થા હાથ ધરાઈ હતી. જેમાં કોઈ હોટલના માલિકે યુક્તિ વાપરી જેટલા વાહન ચાલકો પાસેથી જેક લગાવી ટ્રકને ઉંચો કરી ઈજાગ્રસ્તોને તેમજ ઘટનાસ્થળે મૃત્યુ પામેલાઓને બહાર કઢાયા હતા. બચાવ કામગીરીમાં અસંખ્ય લોકો જોડાયા હતા અને પુલ પરથી નીચે જોઈએ તો નદીના પટમાં લાશોના ઢગલા અને ઈજાગ્રસ્તોથી પટ ઉભરાય જવા પામ્યો હતો.  બનાવની જાણ કરાતા તુરંત જ ભાવનગર અને બોટાદ જિલ્લાની ૧૦ ઉપરાંત ૧૦૮ એમ્બ્યુલન્સ તથા ખાનગી અને ટ્રસ્ટ હોસ્પિટલોની પણ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સેવાભાવી લોકોએ ઈજાગ્રસ્તોને તાબડતોબ ભાવનગર ઉપરાંત બોટાદ, સિહોર, ટીંબી સહિતની હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યારે ઘટનાસ્થળે ર૭ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે વધુ ૪ લોકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થતા કુલ ૩૧ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. જેમાં ર૦ મહિલા અને પાંચ બાળકોનો પણ સમાવેશ થવા પામ્યો હતો. આ ઉપરાંત ૪૦થી વધુ લોકોને ઈજા થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના બનાવની જાણ થતાં વિવિધ રાજકિય આગેવાનો તેમજ સામાજિક સંસ્થાઓ અને સેવાભાવી લોકો હોસ્પિટલે તેમજ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર અપાવવામાં મદદ કરવા ઉપરાંત બચાવ કામગીરીમાં કામે લાગી ગયા હતા. બનાવથી સમગ્ર રાજ્યભરમાં શોકનો માહોલ છવાયો હતો. ઘટના સવારથી જ સોશ્યલ મિડીયામાં વાયરલ થઈ જતાં રાજ્યભરમાં લોકોને જાણ થતાં રાજકિય આગેવાનો સહિતે શોક વ્યક્ત કર્યો હતો. જ્યારે આ અંગેનો મુદ્દો વિધાનસભા ગૃહમાં પણ ઉઠવા પામ્યો હતો. જેમાં પણ મૃત્યુ પામેલાઓને શ્રધ્ધાંજલી પાઠવવામાં આવી હતી.

Previous articleમૃતકના પરિવારને ૪ લાખની સહાય આપવાની મુખ્યમંત્રી દ્વારા જાહેરાત
Next articleભાવનગર જિલ્લાના રંઘોળા ગામ નજીક જાન ભરેલો ટ્રક પુલ પરથી નીચે પડતા ૩૧ના મોત