ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને જિલ્લાના તમામ BRC, CRCઓની ચિંતન શિબિર યોજાઈ

559

ભાવનગર શહેરના સરકીટ હાઉસ ખાતે રાજ્ય સરકારના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને જિલ્લાના તમામ બી.આર.સી સી.આર.સીઓની ચિંતન શિબિર યોજાઇ હતી. જેમાં રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી  વિભાવરીબેન દવે પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જિલ્લાની શૈક્ષણિક કામગીરી દર્શાવતું પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું અને જણાવ્યું હતું કે પ્રેઝન્ટેશનમાં દર્શાવવામાં આવેલ તમામ મુદ્દાઓ પર સૌએ નિયમિત રીતે કાર્ય કરવું જોઈએ, સતત સ્વમુલ્યાંકન કરતા રહીશું તો ટૂંકાગાળામાં ખૂબ સારા પરિણામો સામે આવશે.

શિક્ષકોને પરિવારજનો તરીકે સંબોધતા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે શિક્ષક પાસેથી સમાજની અપેક્ષાઓ સૌથી વધુ હોય છે તેથી શિક્ષકે પ્રમાણિકતા, નિયમિતતા અને પવિત્રતાના ગુણો કેળવવા રહ્યા. કોઈપણ નાના બાળકના આદર્શ હંમેશા તેના શિક્ષકો જ હોય છે તેથી શિક્ષકનું ચારિત્ર્ય હમેશાં ઉત્તમ જ હોવું જોઈએ.

વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે શાળાના વિલીનીકરણનો હેતુ શાળાઓ બંધ કરવી એ નહીં પરંતુ વિદ્યાર્થીઓની ઓછી સંખ્યા હોય એવી શાળાઓને એક કિલોમીટરના અંતરે આવેલી અન્ય શાળામાં ભેળવી વધુ શિક્ષકો થકી શૈક્ષણિક સ્તર ને સુધારવાની વ્યવસ્થા ગોઠવવાનો છે.

આ શિબિરમાં શિક્ષણ વિભાગના અગ્ર સચિવશ્રી વિનોદ રાવ દ્વારા રાજ્યની તુલનામાં ભાવનગર જીલ્લાની શૈક્ષણિક સ્થિતિ દર્શાવતુ પ્રેઝન્ટેશન રજૂ કરવામા આવ્યું હતુ.જેમાં શિક્ષક તેમજ વિધ્યાર્થીઓની ઓનલાઇન હાજરી,શાળા પ્રવેશોત્સવ, શાળાઓમાં કરવામાં આવેલ વૃક્ષારોપણ, ગુણોત્સવ, સ્માર્ટ ક્લાસરૂમ, તમામ તાલુકાઓનુ વિષયવાર મુલ્યાંકન, ધોરણ ૧૦ તથા ૧૨ માં જીલ્લાના વિધ્યાર્થીઓનું પરિણામ વગેરે બાબતોનો સમાવેશ થતો હતો.

આ શિબિરમાં મહુવાના ધારાસભ્ય તેમજ શિક્ષણ સમિતીના અધ્યક્ષ આર.સી.મકવાણા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ બી.કે.ગોહીલ, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, જિલ્લા શિક્ષણાધિકારી વ્યાસ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી  દુધરેજીયા, શાળાઓના આચાર્યઓ તેમજ જિલ્લાના તમામ બી.આર.સી, સી.આર.સીઓ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleઘોઘા તાબેના વાળુકડ ગામેથી ર૦.૧૭ લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ઝડપાયો
Next articleહવે ઇન્દુ કી જવાની ફિલ્મનુ શુટિંગ કિયારાએ શરૂ કર્યુ છે