પૂર્વ ભારતીય ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરે ટીમ ઈન્ડિયાના યુવા વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતને તેના અસ્થિર પ્રદર્શનને લઈને સાવધાન કર્યો છે. ગંભીર માને છે કે જો પંત સમય રહેતા પોતાના પ્રદર્શનમાં સાતત્યતા લાવતો નથી તો પછી ટીમ ઈન્ડિયામાં સ્થાન જાળવી રાખવામાં તેને મુશ્કેલી થઈ શકે છે. ગંભીર પ્રમાણે, ’પંતને કેરલના યુવા વિકેટકીપર બેટ્સમેન સંજૂ સેમસન પાસેથી પડકાર મળી રહ્યો છે.’ એક અખબારમાં લખેલી પોતાની કોલમમાં ગંભીરે પંતને ચેતવણી આપતા લખ્યું, ’પંતની પાસે ગજબની પ્રતિભા છે, પરંતુ તેણે પોતાના પ્રદર્શનમાં સાતત્યતા લાવવા પર ધ્યાન આપવું પડશે. તેણે પાછળ ફરીને જોવુ પડશે કે તેની નજીક કોણ આવી રહ્યું છે. સંજૂ સેમસન તેને સતત ગંભીર પડકાર આપી રહ્યો છે. ગંભીરે કહ્યું કે તે (સેમસન) વ્યક્તિગત રીતે મારો પણ ફેવરિટ છે.’