એશિઝ ૨૦૧૯ની ઓવલમાં રમાયેલી સિરીઝની છેલ્લી અને અંતિમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને ૧૩૫ રને પરાજય આપ્યો છે. આ સાથે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ ૨-૨થી ડ્રો રહી છે. ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે ૩૯૮ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર ૨૬૩ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી મેથ્યૂ વેડે શાનદાર સદી ફટકારતા ૧૧૭ રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી સ્પીનર જેક લીચ અને બ્રોડે સૌથી વધુ ૪-૪ સફળતા મેળવી હતી.
એશિઝની પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને ૨૫૧ રને પરાજય આપ્યો હતો. જ્યારે બીજી મેચ ડ્રો રહી હતી. ત્રીજી મેચમાં ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને એક રનથી પરાજય આપીને શ્રેણી સરભર કરી હતી. ચોથી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને પરાજય આપીને એશિઝ સિરીઝ જાળવી રાખી હતી. પરંતુ અંતિમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને હરાવીને એશિઝ સિરીઝ બરોબર કરવામાં સફળતા મેળવી છે.
આ મેચમાં ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને પ્રથમ બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં જોસ બટલરના ૭૦, રોરી બર્ન્સના ૪૭, રૂટના ૫૭ રનની મદદથી ૨૯૪ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી પ્રથમ ઈનિંગમાં મિશેલ માર્શે પાંચ વિકેટ ઝડપી હતી. ૬૯ રનની લીડ સાથે ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગમાં ૩૨૯ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે તેણે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે ૩૯૮ રનનો લક્ષ્ય આપ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી બીજી ઈનિંગમાં જો ડેનલી સૌથી સફળ બેટ્સમેન રહ્યો હતો. તેણે ૨૦૬ બોલનો સામનો કરતા ૧૪ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૯૪ રન ફટકાર્યા હતા. આ સિવાય બેન સ્ટોક્સે ૬૭ અને જોસ બટલરે ૪૭ રનનું યોગદાન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી બીજી ઈનિંગમાં નાથન લાયને સૌથી વધુ ૪ વિકેટ ઝડપી હતી. આ સિવાય પેટ કમિન્સ, પીટર સીડલ અને મિશેલ માર્શને બે-બે સફળતા મળી હતી.