યુવા ખેલાડી અને વિકેટકીપર રિષભ પંત છેલ્લા ઘણા સમયથી મેદાન પર સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો છે. વર્લ્ડ કપ ૨૦૧૯ બાદ જ્યારે ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ક્રિકેટથી બે મહિના દૂર રહેવાનો નિર્ણય ક્યો હતો. ત્યારે તેની જગ્યાએ ટીમમાં રિષભ પંતને તક આપવામાં આવી હતી અને વેસ્ટઈન્ડીઝના પ્રવાસે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
પરંતુ આ પ્રવાસે પંતે તેના પ્રદર્શનથી સૌને નિરાશ કર્યા. ત્યારે હવે મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ ખેલાડીને ચેતવણી આપી હોય એવા સમાચાર મળ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ રવિ શાસ્ત્રીએ સ્પષ્ટ કહ્યું કે જો રિષભ પંત વેસ્ટઇન્ડીઝના પ્રવાસે કરેલી ભૂલોનું પુનરાવર્તન કરશે તો તેમને આનું નુકસાન ભોગવવું પડશે. શાસ્ત્રીએ સીધી રીતે કહેવાથી બચતા કહ્યું કે,‘આ યુવા વિકેટકીપર બેટ્સમેને ભારતના વેસ્ટઇન્ડીઝ પ્રવાસે સૌને નિરાશ કર્યા છે. તેઓ વન ડે મેચમાં પહેલા બોલ પર આઉટ થયા હતા.’ રિપોર્ટ મુજબ મુખ્ય કોચે કહ્યું કે,‘હાલ અમે તેમની ભૂલોને માફ કરી રહ્યા છીએ. તે ત્રિનિદાદમાં પહેલા બોલ પર જે રીતે શોટ રમીને આઉટ થયા હતા જો તેનું પુનરાવર્તન કરશે તો તેમને આ વિશે જણાવવામાં આવશે. કુશળતા હોય કે પછી ન હોય નુકસાન ભોગવવા માટે તૈયાર રહેવું પડશે.’ આ સાથે શાસ્ત્રીએ એમ પણ કહ્યું કે રિષભ પંતની કુશળતા પર અમને કોઈ સંદેહ નથી. પરંતુ તેમને શોટ સિલેક્શન અને લાંબી ઇનિંગ રમવા પર ધ્યાન આપવાની જરૂર છે. એક ખેલાડી જ્યારે સતત સારું પ્રદર્શન ન કરે તો ટીમ પર પણ દબાણ વધે છે.