શેરબજારમાં આજે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. તેલ કિંમતોમાં ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન ૨૮ વર્ષની ઉંચી સપાટી જોવા મળી હતી. ચાવીરુપ તેલ ઉત્પાદક દેશ સાઉદી અરેબિયાની ક્રૂડ ઓઇલ ફેસેલિટી પર ડ્રોન હુમલા કરવામાં આવ્યા બાદ તેલ કિંમતોમાં રેકોર્ડ ઉંચી સપાટી જોવા મળી રહી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓનું કહેવું છે કે, હાલમાં તેમના શેરમાં સ્થિતિ સારી દેખાઈ રહી નથી. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ, એવિએશનના શેરમાં સાત ટકા સુધીનો ઘટાડો આજે નોંધાયો હતો. બીએસઈ સેંસેક્સમાં ૨૬૨ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૩૭૧૨૩ રહી હતી. એમએન્ડએમના શેરમાં ૨.૫૦ ટકાનો ઘટાડો રહ્યો હતો. ઓએનજીસીના શેરમાં ૧.૫૦ ટકાનો સૌથી મોટો ઉછાળો રહ્યો હતો. એચડીએફસી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, એસબીઆઈ અને એલએન્ડટીના શેરમાં મંદી રહી હતી જ્યારે ટીસીએસ, એચયુએલ અને ટેક મહિન્દ્રાના શેરમાં સૌથી વધુ તેજી રહી હતી. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૩૮ પોઇન્ટનો ઘટાડો રહ્યો હતો જેથી તેની સપાટી ૧૩૬૨૮ નોંધાઈ હતી. એસએન્ડપી બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૮૩ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૩૦૯૬ રહી હતી. એનએસઈમાં નિફ્ટીમાં ૭૨ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૧૦૦૪ રહી હતી. નિફ્ટીના ૫૦ શેર પૈકી ૧૪ શેરમાં તેજી અને ૩૬ શેરમાં મંદી રહી હતી. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો પીએસયુ બેંકના શેરમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. રિયાલીટી અને ફાઈનાન્સિયલ સર્વિસના કાઉન્ટરો ઉપર પણ મંદી રહી હતી. નિફ્ટી પીએસયુ બેંકમાં ૩૨ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની શેરની સપાટી ૨૪૭૯ રહી હતી. વ્યક્તિગત શેરોની વાત કરવામાં આવે તો એવરેડ્ડી ઇન્ડસ્ટ્રીના શેરમાં પાંચ વર્ષની નીચી સપાટી જોવા મળી હતી. કારણ કે, કંપનીએ જાહેરાત કરી છે કે, કોલકાતા હાઈકોર્ટ દ્વારા તેને ટ્રાન્સફરિંગથી રોકવામાં આવી છે. હાઈકોર્ટમાં ચુકાદો આવ્યા બાદ કંપનીના પ્લાન્ટને અસર થઇ શકે છે. દેવાની સ્થિતિને ટાળવા માટે તેના બેટરી કારોબારને વેચી દેવાની કંપનીની યોજનામાં વિલંબ થઇ શકે છે. અદાણી ગ્રીન એનર્જીમાં આજે બાવન સપ્તાહની ઉંચી સપાટી જોવા મળી હતી. અદાણી ગ્રીન એનર્જીના શેરમાં કારોબારના અંતે ૧૧ ટકાનો ઉછાળો રહ્યો હતો જેથી તેની કિંમત ૫૫.૫૫ રહી હતી. ગ્રેફાઇટ ઇલેક્ટ્રાઇડ બનાવતી એચઇજી અને ગ્રેફાઇડ ઇન્ડિયાના શેરમાં ૧૯ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારોમાં ઉતારચઢાવની સ્થિતિ રહી હતી. ચાર દિવસના તેજીના કારોબાર ઉપર આજે બ્રેક મુકાઈ હતી.