નાસાનું ઓર્બિટર ’વિક્રમ’ની લૅન્ડિંગ સાઇટ પાસે પહોંચ્યું

351

૭ સપ્ટેમ્બરના શરૂઆતના કલાકોમાં ચંદ્રથી માત્ર ૨.૧ કિમીના અંતરે લૅન્ડર વિક્રમનો ઇસરોના કન્ટ્રોલ રૂમ સાથે સંપર્ક તૂટી ગયો હતો. ત્યારબાદ ચંદ્રયાન-૨ના ઓર્બિટરની મદદથી ચંદ્ર પર વિક્રમનું લોકેશન શોધી કાઢવામાં આવ્યું હતું. હવે સૌથી મોટો પડકાર છે, લૅન્ડર વિક્રમ સાથે સંપર્ક ફરી સ્થાપિત કરવો. લૅન્ડિંગના સમયે વિક્રમની સાથે શું થયું હતું અને વિક્રમના હાર્ડ લૅન્ડિંગ બાદ ચંદ્ર પર તેની લૅન્ડિંગ સાઇટ પર શું ફેરફાર આવ્યા, આ તમામ સવાલોના જવાબ મળવા જઈ રહ્યા છે. કાલે એટલે કે ૧૭ સપ્ટેમ્બરે નાસાનું લૂનર રિકૉનિસન્સ ઓર્બિટર ચંદ્રના એ સ્થળ પર ચક્કર મારશે જ્યાં વિક્રમનું લૅન્ડિંગ થયું હતું.ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનએ અત્યાર સુધી વિક્રમના લૅન્ડિંગ સ્થળની કોઈ પણ તસવીર જાહેર નથી કરી. ચંદ્રયાન-૨ના પોતાના ઓર્બિટર ઉપરાંત, નાસાના લૂનર રિકૉનિસન્સ ઓર્બિટર પણ ચંદ્રની પરિક્રમા કરી રહ્યું છે. નાસાનું ઓર્બિટર ૧૭ સપ્ટેમ્બરે આ વિસ્તાર ઉપરથી પસાર થશે. સાઇટની તસવીરો ઇસરોને તેના વિશ્લેષણમાં મદદ કરી શકે છે. નોંધનીય છે કે, ચંદ્ર પર સોફ્ટ લૅન્ડિંગ કરી ભારત દુનિયાનો ચોથો દેશ બનાવાનો હતો.

જોકે, ૮ સપ્ટેમ્બરે ઇસરોના અધ્યક્ષ કે. સિવને કહ્યું હતું કે, વિક્રમ લૅન્ડરના લોકેશનની ભાળ મેળવી લેવામાં આવી છે. તે ચંદ્રની સપાટી પર છે અને તેનું હાર્ડ-લેન્ડિંગ રહ્યું. મિશન સાથે જોડાયેલા અધિકારીએ જણાવ્યું કે, લૅન્ડર એક જ આકારમાં છે, ટુકડાઓ નથી થયા. તે ચંદ્ર પર ઝૂકેલી સ્થિતિમાં છે. ઇસરોએ કહ્યું છે કે વિક્રમ લૅન્ડરની સાથે સંપર્ક સ્થાપિત કરવા માટે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

Previous articleWPI ફુગાવો હજુ ૧.૦૮ ટકાની સપાટીએ : રેટ ઘટશે
Next articleમધ્ય પ્રદેશમાં વરસાદનો કહેર… ૫૦ હજાર લોકોને રાહત છાવણીમાં આશ્રય અપાયો