રાજ્યમાં અસામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે વધતો જાય છે, ત્યારે અમદાવાદના વાડજ વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે. વાડજ વિસ્તારમાં સૌરબાજી કમ્પાઉન્ડ નજીક જાહેર રસ્તા પર રાત્રીના સમયે કેટલાક અસામાજિક તત્વાઓ રીતસરનો આતંક મચાવ્યો હતો.
સમગ્ર ઘટનાના હાલ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, અસામાજિક તત્વો છાકટા થઇને રસ્તાઓ પર પડેલી, જતી આવતી તમામ કારના કાચ તોડી રહ્યા છે. એટલું જ નહીં, રોડ પર આવતા જતા લોકોને પણ રોકીને તેમને માર માર્યો હોવાની ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ વાડજ પોલીસ ઘટના સ્થળે પહોંચીને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
વાડજ વિસ્તારમાંથી જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, બેથી ત્રણ અસામાજિક તત્વો છાકટા બનીને જાણે કાયદાનો કોઇ ડર જ ના હોય તેમ ભાઇગીરી કરી રહ્યા છે. તેઓ રસ્તાની વચ્ચે ઉભા રહીને પસાર થતી ગાડીઓને રોકી રહ્યા છે, તેમજ હાથમાં કુહાડા જેવા હથિયારથી ગાડીઓના કાચ તોડી રહ્યા છે.
લુખ્ખાઓને કોઈને ડર ન હોય તે રીતે તેઓ રસ્તાની વચ્ચોવચ્ચ ઉભા રહીને વાહનો રોકી રહ્યા છે. એટલું જ નહીં વાહન નજીક આવતા જ તેઓ કુહાડાથી હુમલો કરે છે. એટલું જ નહીં આ લુખ્ખાઓએ રાહદારીઓને રોકીને માર પણ માર્યો હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે.