કેન્દ્ર સરકાર દ્વારા નવા ટ્રાફિક નિયમોનું સોમવારથી રાજ્ય સરકાર દ્વારા અમલીકરણ કરાવવામાં આવી રહ્યું છે. વાહનચાલકોને આ નવા કાયદા પ્રમાણે મસમોટા દંડની જોગવાઈ કરવામાં આવી છે ત્યારે શહેરના ટેક્સટાઈલ માર્કેટમાંથી ફિટનેસ સર્ટી વગર નીકળેલાં આઈસર-ટ્રકને પાંચ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
રિંગરોડ પર આવેલી આરકેટી માર્કેટમાંથી કાપડનો જથ્થો ભરીને આઈસર-ટ્રક (જીજે ૦૫ યુયુ ૭૮૮૬)ના ચાલક ગોવિંદભાઈ સુરેશભાઈ પટેલ ગ્લોબલમાં માર્કેટમાં ડિલિવરી માટે જઈ રહ્યાં હતાં. આ દરમિયાન બ્રીજ ઉતરતાં સહારા દરવાજા ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યાં હતાં.ગોવિંદભાઈ પાસે લાયસન્સથી લઈને અન્ય ડોક્યુમેન્ટ યોગ્ય હતાં પરંતુ આઈસર ટ્રકનું ફિટનેસ સર્ટી ન હોવાના કારણે પાંચ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ દંડની રકમ ગોવિંદભાઈએ સ્થળ પર જ ભરી દીધી હતી.
ગોવિંદભાઈએ જણાવ્યું હતું કે, આ નવા નિયમોમાં વધારે રૂપિયા આપવા પડે છે. જેના કારણે ખીસ્સામાં રૂપિયા ન હોય તેવા સંજોગોમાં મુશ્કેલી પડી શકે છે. પહેલા જ દિવસે દંડની રકમ ભરવી પડી હોવાથી હવે જરૂરી સર્ટી કઢાવીને પોતાની સાથે જ રાખશે.