ગુજરાતમાં મોસમનો કુલ વરસાદ ૧૨૦ ટકા થયો છે. લગભગ દરેક જિલ્લામાં સારા વરસાદને કારણે મોટાભાગના ડેમ ઓવરફ્લો થયા છે. ગુજરાતના દરેક ડેમમાં પાણીની એટલી સારી આવક થઈ છે કે, હવે પછીનું વર્ષ ગુજરાત માટે સારુ જશે. ઉનાળામાં પણ પાણીની તંગી નહિ પડે. ત્યારે મહીસાગર જિલ્લાનો ભાદર ડેમ છેલ્લા ત્રણ વર્ષ બાદ આ વર્ષે ૧૦૦ ટકા જેટલો ભરાયો છે. જેને કારણે કાંઠા પરના ૭ ગામોને એલર્ટ પર મૂકાયા છે. તો બીજી તરફ, સિંચાઈને લઈ ખેડૂતો માટે રાહતના સમાચાર કહી શકાય.
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ભાદર ડેમમાં નવા નીરની આવક થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. કારણ કે, છેલ્લા ત્રણ વર્ષ બાદ ભાદર ડેમમાં ૧૦૦ ટકા જેટલું પાણી આવ્યું છે. પાણીની આવક થતા ખાનપુર અને વીરપુર તાલુકાના ખેડૂતો માટે સિંચાઈ માટે સારા સમાચાર કહી શકાય. ભાદર ડેમ હાલ ૧૨૩થી પણ વધુ સપાટી સુધી ભરાઈ જવા પામ્યો છે. જે ભયજનક સપાટીને પાર કરવામાં માત્ર ૧ ફૂટ દૂર છે
છેલ્લા ત્રણ વર્ષમાં ઓછા પડેલા વરસાદના કારણે ભાદર ડેમ માત્ર ૪૦ થી ૫૦ ટકા જેટલો જ ભરાતો હતો. ગત વર્ષના ઉનાળાની શરૂઆત બાદ જ ડેમમાં માત્ર ૭ ટકા જેટલું જ પાણી રહી ગયું હતુ.
જેને લઈને ખાનપુર તેમજ વીરપુર તાલુકાના ખેડુતો માટે સિંચાઈ તેમજ પીવાના પાણી વિશે અનેક સવાલો ઉભા થયા હતા. પરંતુ ત્રણ વર્ષ બાદ ડેમ ૧૦૦ ટકા જેટલો ભરાઈ જતા તંત્ર દ્વારા ૭ ગામોને એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ત્યારે આ વખતે ડેમમાં નવા નીરને લઈને સિંચાઈ માટે સારા સમાચારને લઈ ખેડુતો ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે.