કાયદો લાગુ થતા જ જનતાની ઊંઘ ઉડી, પીયુસી સેન્ટર પર લાંબી લાઈનો લાગી

453

આજે જો ઘરની બહાર કોઈ કામે નીકળવાનું થાય તો, ટ્રાફિક નિયમોના નામની ગાંઠ વાળીને નીકળજો. હેલમેટ પહેર્યુ છે કે, નહિ, સીટ બેલ્ટ બાંધ્યો છે કે નહિ, પીયુસી-લાયસન્સ અને આરસી બૂક પર્સમાં છે કે નહિ… આ બધુ જ ચેક કરીને નીકળશો તો તમારા ડેસ્ટિનેશન પર પહોંચી શકશો. કારણ કે, સોમવારથી આરટીઓનાં નવા નિયમ રાજ્યભરમાં લાગુ થઈ ગયા છે. નવા નિયમ અનુસાર જે કોઈ કાયદો તોડશે તો તેમને ભારે ભરખમ દંડ ભરવો પડશે. તેથી જ ઊંઘમાંથી સફાળા જાગ્યા હોય તેમ લોકો હવે પીયુસી સેન્ટર પર પહોંચી ગયા છે. નવા નિયમો સોમવારથી લાગુ થવાને પગલે લોકો વહેલી સવારથી જ લાઈન લગાવીને બેસ્યા છે.

નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થતાં જ રાજ્યભરમાં પોલીસે ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી છે. ટ્રાફિકના નિયમનું પાલન ન કરનારાઓને મેમો પકડાવવામાં આવી રહ્યાં છે. સીટ બેલ્ટ ન પહેર્યો, હેલ્મેટ ન પહેરી, સિગ્નલ તોડવા સહિત માટે નવા કાયદા બનાવવામાં આવ્યા છે, જે માટે રાજ્ય સરકારે અગાઉ દંડની રકમો જાહેર કરી છે. આજથી ટ્રાફિકના નવા નિયમની અમલવારી શરૂ થઈ છે, ત્યારે ટ્રાફિકના નવા નિયમ આવતા લોકોમાં એકાએક અવેરનેસ આવી છે. પીયૂસી સેન્ટર પર વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળી છે. પીયૂસી સેન્ટર પર વહેલી સવારથી લોકો પીયૂસી કઢાવવા માટે પહોંચ્યા છે.

રાજ્ય સરકારે એચએસઆરપી નંબર પ્લેટ લગાડવા માટેની અને પીયુસી માટેની મુદત પણ એક મહિના વધારી દીધી હતી. આ મુદત ૧૬ સપ્ટેમ્બરને બદલે ૩૦ ઓક્ટોબર કરાઈ છે. પરંતુ આ બે સિવાયના કાયદાના તોડનારને આજથી ભારે ભરખમ દંડ ભરવો પડશે. જોકે, સરકાર સમય મર્યાદામાં હજુ વધારો કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

Previous articleપાવાગઢ જતા શ્રદ્ધાળુઓને પડશે મુશ્કેલી… ૬ દિવસ પગથિયા ચઢવા પડશે
Next article‘પૈસા નથી’નું બહાનું નહીં ચાલે, ટ્રાફિક નિયમ તોડતા ડિજિટલ પેમેન્ટથી દંડ વસૂલાશે