દ્વારકા મંદિરના ઈતિહાસમાં પ્રથમવાર બની ઘટના…તમામ ધજા એક જ પરિવારે ચઢાવી

473

સાત પૂરીમાંથી એક પૂરી અને ચાર ધામમાંથી એક ધામ માનવામાં આવતા યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગતમંદિર પર નૂતન ઘ્વજા આરોહણનું અનેરું મહત્વ છે. અહી ધજા ચઢાવનાર વ્યક્તિ પોતાને ધન્ય અનુભવે છે. ત્યારે કચ્છના એક જોશી પરિવારને અમૂલ્ય તક મળી હતી. દ્વારકાના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે, એક દિવસમાં તમામ એટલે કે ૫ ધજા ચઢાવવાનો અવસર કોઈ એક પરિવારને મળ્યો હતો. ત્યારે એકસાથે પાંચ ધજા ચઢાવીને જોશી પરિવાર ગદગદ થઈ ગયો હતો અને દ્વારકાના ઇતિહાસમાં પણ સ્થાન પામ્યા હતા.

એક જ દિવસમાં તમામ પાંચ ધજા કોઈ એક જ પરિવારે ચઢાવી હોય તેવુ દ્વારકા મંદિરના ઈતિહાસમાં પહેલીવાર બન્યું છે. દ્વારકામાં દરરોજ ચાર ધજા બુકિંગની અને એક તત્કાળ ધજા ચઢાવવામાં આવે છે. ત્યારે આ તમામ ધજા ચઢાવવાની તક કચ્છના જોશી ઘનશ્યામ જોશી પરિવારને મળી હતી. મોરારીબાપુના ભક્ત એવા આ પરિવારે તમામ ધજા ચઢાવીને પોતાનો સંકલ્પ પૂરો કર્યો છે.

આ અવસરને ઉજવવા માટે પરિવાર દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. વાજતે-ગાજતે મંદિરમાં ધજાઓ લઈ જવામાં આવી હતી. આ પ્રસંગે જાણીતા લોક કલાકાર માયાભાઈ ગઢવી પણ હાજર રહી શોભાયાત્રામાં ઝૂમ્યા હતા. આ રીતે વાજતે-ગાજતે શોભાયાત્રા સાથે શ્રીજીના આખાય દિવસનાં તમામ મનોરથ પણ આં પરિવાર દ્વારા રાખવામાં આવ્યા હતા.

Previous article‘પૈસા નથી’નું બહાનું નહીં ચાલે, ટ્રાફિક નિયમ તોડતા ડિજિટલ પેમેન્ટથી દંડ વસૂલાશે
Next articleટેમ્પોની ઉપર બેસેલા મુસાફરોને સુખડનો હાર બતાવી પોલીસે પૂછ્યું, ‘મરવું છે કે જીવવું છે?’