સોમવારથી લાગુ થયેલા નવા મોટર વ્હીકલ એક્ટના અમલ અને જાગૃતિના ભાગરૂપે દાહોદ પોલીસે નવતર પ્રયોગ કર્યો હતો. પોલીસે હાઇવે પરથી પસાર થઈ રહેલા એક ટેમ્પોને રોકી તેના મુસાફરોને સુખડ તેમજ ગુલાબનો હાર બતાવી જીવન-મરણ વચ્ચેનું અંતર સમજાવ્યું હતું. ટેમ્પોની માથે બેસી જોખમી રીતે મુસાફરી કરી રહેલા મુસાફર તેમજ ચાલકને પોલીસે પૂછ્યું હતું કે જીવવું છે કે મરવું છે?
પોલીસે પેસેન્જરોને સમજાવ્યા હતા કે આ પ્રકારે કૉમર્શિયલ વાહનોમાં મુસાફરી કરવાથી જીવન જોખમમાં મૂકાઈ શકે છે. જ્યારે સરકાર દ્વારા એસ.ટી. બસની સુવિધા આપવામાં આવે છે, ત્યારે આ પ્રકારે ટેમ્પોમાં મુસાફરી કરવી એ કાયદાના ભંગની સાથે જીવનું જોખમ છે.
પોલીસે વાહન ચાલક સહિત પેસેન્જરોને આ પ્રકારની મુસાફરી ન કરવાના શપથ લેવડાવ્યા હતા. દાહદોની લીમડી પોલીસે ગાડી માલિક અને ચાલક સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી. લીમડીના પે.એસ.આઈ દ્વારા મહિલા પોલીસને સાથે રાખી મહિલા મુસાફરોને પણ સમજાવામાં આવી હતી કે આવી મુસાફરીથી તેમનો પરિવાર વેરવિખેર થઈ શકે છે. પોલીસે રસ્તેથી પસાર થતી એસ.ટી. બસ થંભાવી અને તેમાં ટેમ્પોના મુસાફરોને બેસાડ્યા હતા.