મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાષ્ટ્રીયકૃત બેન્કોને ટ્રેડિશનલ સોચમાંથી બહાર આવી એગ્રેસીવ એપ્રોચ સાથે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસથી સહાય-ધિરાણ સરળીકરણ માટે આહવાન કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, બેન્કો મદદ કરવા તત્પર છે અને છેવાડાનો માનવી પણ બેન્કોની સહાય-ધિરાણથી પગભર થાય તેવા બદલાવ પૂર્ણ વ્યવહારની આવશ્યકતા હવેના સમયમાં બેન્કોએ સ્વીકારવી પડશે. મુખ્યમંત્રી ગાંધીનગરમાં ૧૬૨મી સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટિની બેઠકના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા.
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર શ્રી મહેશકુમાર જૈન, એસ.એલ.બી.સી.ના ચેરમેન અને બેન્ક ઓફ બરોડાના ઝ્રર્ઈં પી. એસ. જયકુમાર, લીડ બેન્ક બેન્ક ઓફ બરોડાના એકઝીકયુટીવ ડાયરેકટર વી. એસ. ખીચી સહિતના વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, હવે ગ્લોબલાઇઝેશનને કારણે દુનિયા ખૂલી ગઇ છે. ઇઝ ઓફ ડૂઇંગને કારણે સરળીકરણ થવાથી વિકાસની સ્પર્ધા એટલી તીવ્ર થઇ ગઇ છે કે પૂરતો સપોર્ટ અને લાંબો દ્રષ્ટિકોણ ન હોય તો વિકાસ શકય નથી.
બેન્કોએ આ દ્રષ્ટિથી એવી વ્યવસ્થાઓ ઊભી કરવી પડે કે કેન્દ્ર-રાજ્ય સરકારોની વિવિધ યોજનાઓનો લાભ તેમના મારફત છેલ્લામાં છેલ્લા માનવી સુધી સુપેરે પહોચે એમ તેમણે ઉમેર્યુ હતું. વિજયભાઇ રૂપાણીએ ગુજરાત સરકારે ગ્રીન-કલીન ઊર્જા માટે અમલમાં મૂકેલી સોલાર રૂફ ટોપ યોજના માટે રૂ. ૧૦૦૦ કરોડની ધિરાણ-સહાયનું બજેટ ફાળવ્યું છે તેની ભૂમિકા આપતાં બેન્કર્સને અપીલ કરી કે આ યોજના માટે બેન્કો પણ સહાય માટે આગળ આવે. તેમણે બેન્કર્સને અનુરોધ કર્યો કે, બેન્કોને મળતી લોન-સહાય કે અન્ય ધિરાણની અરજીઓ સામે ડે-ટુ-ડે કેટલી અરજીઓનો નિકાલ થયો તેનો નિયમીત અહેવાલ રાજ્ય સરકારને મળે તે પણ અપેક્ષિત છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ બેન્કીંગ સેવાઓનો વ્યાપ નાનામાં નાના માનવી સુધી પહોચે તે માટે પાંચ હજારથી વધુ વસ્તીવાળા ગામોમાં બેન્કની શાખાઓ શરૂ કરવાનો લક્ષ્ય રાખ્યો છે. ગુજરાતમાં બેન્કો વધુ શાખાઓ શરૂ કરી આ સંકલ્પમાં સૂર પૂરાવે તે અપેક્ષિત છે. તેમણે ઉમેર્યુ કે ખેડૂતોની આવક ર૦રર સુધીમાં બમણી કરવાના શ્રી નરેન્દ્રભાઇ મોદીના નિર્ધારમાં બેન્કો ખેત ધિરાણ, ફસલ બિમા યોજનાના ચૂકવણામાં વેગ લાવે સાથોસાથ ફલેગશીપ યોજના જેવી ખેતી ક્ષેત્રની, યુવા રોજગારીની-સ્વરોજગારીની યોજનાઓમાં પણ ત્વરીત સહાય આપી આર્થિક તેજીના ભારત સરકારના આયોજનમાં સહયોગ કરે.
તેમણે કૃષિ સંલગ્ન યોજનાઓમાં ધિરાણ આપવામાં બેન્કો વિલંબ ન કરે તેના પર ખાસ ભાર મૂકયો હતો.
નાયબ મુખ્યમંત્રીએ ગુજરાતમાંથી બેન્કો કેટલી ડિપોઝીટ મેળવે છે અને તેની સામે કેટલી લોન-સહાય આપે છે તેનું આકલન કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ક્રેડિટ ડિપોઝિટ રેશિયો નબળા જિલ્લાઓમાં વધારવા બેન્કો સક્રિય બને.
નીતિનભાઇ પટેલે કેન્દ્ર સરકારના આ વર્ષના બજેટમાં ફિશરમેન અને પશુપાલકો માટે ક્રેડીટ કાર્ડ આપવાની નવી જાહેરાતોના સંદર્ભમાં કહ્યું કે, ૧૬૦૦ કિ.મી. લાંબો દરિયા કિનારો ધરાવતા ગુજરાતના માછીમાર ભાઇઓ અને કૃષિ સંલગ્ન પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલાઓને પણ સરળ ધિરાણ સહાય મળે તેવું દાયિત્વ બેન્કો નિભાવે.
આ મિટીંગ દરમ્યાન રાજ્ય સરકારના નાણાં વિભાગના સહયોગથી જૂથ વીમા યોજના અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના ધિરાણ-લોન સહાય માટેના બે પોર્ટલ લોન્ચીંગ કરવામાં આવ્યા હતા.
પ્રારંભમાં એસ.એલ.બી.સી.ના ચેરમેન અને બેન્ક ઓફ બરોડાના ઝ્રર્ઈં પી. એસ. જયકુમારે એસ.એલ.બી.સી.ના આયોજનની રૂપરેખા આપી હતી.
નાણાંના આધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલે ગુજરાતે ઇન્ટીગ્રેટેડ ફાયનાન્સ મેનેજમેન્ટ સિસ્ટમના વિનિયોગથી નાણાં અને આર્થિક વ્યવહારોમાં ટેકનોલોજીના ઉપયોગથી દિશા દર્શક કામ કર્યુ છે તેમ જણાવ્યું હતું.
તેમણે સી.એમ. ડેશબોર્ડના માધ્યમથી રાજ્ય સરકારના વિભાગોની બેન્કેબલ લોક કલ્યાણ યોજનાકિય બાબતોની પ્રગતિ અને લાભાર્થીઓને મળતી લોન-સહાય-ધિરાણનું સતત મોનિટરીંગ મુખ્યમંત્રી કક્ષાએ થાય છે તેની પણ વિગતો આપી હતી. આ બેઠકમાં લીડ બેન્ક બેન્ક ઓફ બરોડાના વરિષ્ઠ અધિકારીઓ- રાજ્ય સરકારના સંબંધિત વિભાગોના સચિવઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.