વડોદરાની કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પ્રમુખ પન્નાબેન ભટ્ટ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ છે. જેના કારણે કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે. કોંગ્રેસના ૧૧ અને ભાજપના ૧૪ સભ્યો મળી કુલ ૨૫ સભ્યોએ ડીડીઓને પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત આપી હતી. આ દરખાસ્ત બાદ ડીડીઓએ પ્રમુખ પન્નાબેન ભટ્ટને વિશ્વાસ સાબિત કરવા ૧૫ દિવસમાં સભા બોલાવવા નોટિસ આપી હતી. પરંતુ પન્નાબેને સભા ન બોલાવતાં વિકાસ કમિશનરના આદેશથી આજે ખાસ સામાન્ય સભા બોલાવાઈ હતી. જેમાં પ્રમુખ પન્નાબેન ભટ્ટ સામે ૩૬ સભ્યોમાંથી ૩૦ સભ્યોએ અવિશ્વાસ દરખાસ્તની તરફેણમાં મતદાન કર્યુ હતું. જ્યારે કે, ૬ સભ્યોએ વિરુદ્ધમાં મતદાન કરતા દરખાસ્ત મંજુર કરાઈ છે. હવે પન્નાબેન ભટ્ટને ત્રણ દિવસમાં રાજીનામું આપવું પડશે અને ત્રણ દિવસમાં જ વિકાસ કમિશનરના આદેશથી નવા પ્રમુખ માટે ચૂંટણી યોજવામાં આવશે. મહત્વની વાત છે કે, કોંગ્રેસના બળવાખોર સભ્યો મહિલા પ્રમુખના પતિથી નારાજ હતા અને પ્રમુખ પતિ પર સમગ્ર વહીવટ ચલાવવાનો આક્ષેપ કરતા હતા. જેના કારણે તમામ બળવાખોરો એક થઈ પન્નાબેન ભટ્ટને જ પ્રમુખ પદેથી હટાવી દેવામાં સફળ થયા છે.
મહત્વની વાત છે કે, સમગ્ર પિક્ચરમાં ભાજપ કોંગ્રેસશાસિત જિલ્લા પંચાયત તોડવામાં સફળ નીવડ્યું છે. ડીડીઓએ વિકાસ કમિશનરના આદેશ બાદ નવા પ્રમુખ માટે ચૂંટણી યોજાશે તેમ કહ્યું તો પ્રમુખ પન્નાબેન ભટ્ટે બળવાખોરોને ભાજપે ૧૫ લાખ રૂપિયા આપ્યા તેમજ રાજસ્થાનના પ્રવાસ પણ કરાવ્યો. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ હવે બળવાખોરો સામે કાર્યવાહી કરવી પડશે. તો કોંગ્રેસના બળવાખોરો કોગ્રેસમાંથી જ નવા પ્રમુખ બનશે તેવો દાવો કરી રહ્યા છે.
આમ, વડોદરા જિલ્લા પંચાયતમા કોંગ્રેસના પ્રમુખ પન્નાબેન ભટ્ટની ખુરશી છીનવાઈ છે. જિલ્લા પંચાયતમાં કુલ ૩૬ સભ્યો છે. જેમાંથી કોગ્રેસના કુલ ૨૨ અને ભાજપના ૧૪ સભ્યો છે. વિરોધ પક્ષ ભાજપે નવા પ્રમુખને સમર્થન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, વડોદરા જિલ્લા પંચાયતમાં કોગ્રેસનુ શાસન છે અને પ્રમુખ તરીકે પન્નાબેન ભટ્ટ છેલ્લા એક વર્ષથી સત્તા ભોગવી રહ્યા છે. પન્નાબેન પ્રમુખ બન્યા બાદથી જ કોગ્રેસના સભ્યોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. પ્રમુખ સામે કોગ્રેસના ૧૦ અને ભાજપના ૧૪ મળી કુલ ૩૬ સભ્યોએ ડીડીઓને અવિશ્વાસની દરખાસ્તની અરજી કરી છે. કોંગ્રેસના બળવાખોર સભ્યો પ્રમુખ પન્નાબેન ભટ્ટના પતિ સમગ્ર વહીવટ કરતા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે, તો ‘પન્નાબેન ભટ્ટ અને દિલીપ ભટ્ટ ઘરનો કંકાસ છે તેને દૂર કરીશું’ તેમ કહ્યું હતું. તો બીજી તરફ પન્નાબેને બળવાખોર સભ્યોને મનાવી લેવાની વાત કરી હતી.