રાજ્ય સરકારે રાજ્યમાં ડિજીટલ સ્ટેમ્પિગના ઉપયોગને લઈ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આગામી ૧ ઓક્ટોબર ૨૦૧૯થી રાજ્યભરમાં નોન જ્યુડીશિયલ ફીઝીકલ સ્ટેમ્પ પેપરના ઉપયોગને બંધ કરી ફક્ત ડિજીટલ સ્ટેમ્પિગની પધ્ધતિને અનુસરવા મહત્વનો નિર્ણય કર્યો છે. આ અંગે મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું છે કે, નાગરિકોને સ્ટેમ્પ પેપર મેળવવામાં પડતી મુશ્કેલીઓ તથા સ્ટેમ્પ વેન્ડર મારફતે વેચાતા પરંપરાગત સ્ટેમ્પ પેપરની કૃત્રિમ અછત ઉભી કરી સ્ટેમ્પ વેન્ડરો દ્વારા વધુ કિંમત વસુલ કરી નાગરીકોને છેતરવાનો પ્રયાસ થતો હોવાની રજૂઆતોને ધ્યાને લઈ થોડા સમય પહેલાં જ રાજ્ય સરકારે ડિજીટલ સ્ટેમ્પિગની સુવિધાનો વ્યાપ વધારવા મહત્વનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયને આગળ ધપાવતા રાજ્ય સરકારે વધુ એક નિર્ણય કરી ૧લી ઓક્ટોબર ૨૦૧૯થી રાજ્યભરમાં નોન જ્યુડીશિયલ ફીઝીકલ સ્ટેમ્પ પેપરના ઉપયોગને બંધ કરી ફક્ત ડિજીટલ સ્ટેમ્પિગની પધ્ધતિને અનુસરવા મહત્વનો નિર્ણય કર્યો છે.મહેસૂલ મંત્રીએ આગળ જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા નાગરકકોને પુરી પાડવામાં આવતી સેવાઓનો ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થાય તે માટે દેશભરમાં ડીજીટલ ઈન્ડિયાનું નવતર અભિગમ દાખવ્યો છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે મહેસૂલી સેવાઓને વધુ સરળ બનાવવા અનેકવિધ નવા આયામો હાથ ધર્યા છે ત્યારે આ નિર્ણય પણ નાગરિકો માટે મહત્ત્વનો પુરવાર થશે. મંત્રીએ ઉમેર્યું કે, નાગરિકોને ૧લી ઓક્ટોબર ૨૦૧૯થી ફીઝીકલ સ્ટેમ્પ સેવા બંધ થતા સ્ટેમ્પ મેળવવામાં કે સ્ટેમ્પ ડ્યુટીની ચૂકવણીમાં કોઇ તકલીફ ના પડે તે માટે ઇ-સ્ટેમ્પીંગની સુવિધાથી હવેથી શિડ્યુલ બેંકો, કેંદ્ર અને રાજ્ય સરકારના નિયંત્રણ હેઠળની નાણાંકીય સંસ્થાઓ કે એકમો, પોસ્ટ ઓફિસ ઉપરાંત લાયસન્સી સ્ટેમ્પ વેન્ડર, ચાર્ટર્ડ એકાઉટન્ટ, કંપની સેક્રેટરી, બંદર/પોર્ટ ખાતેના સી એન્ડ એફ એજન્ટ, ઇ-ગવર્નસ પ્લાન હેઠળ કાર્યરત કોમન સવિર્સ સેન્ટર,ઇમ્ૈં રજીસ્ટર્ડ નોન બેંકીગ ફાઇનાન્સિયલ કંપની અને લાયસન્સી નોટરી પૈકી જે વ્યકિતઓ/સંસ્થાઓ જે તે જિલ્લાની સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશનની કચેરી ખાતે રજીસ્ટ્રેશન માટે અરજી કરી શકશે.
સુપ્રિ.ઓફ સ્ટેમ્પ્સ દ્વારા આ વ્યકિતઓ/સંસ્થાઓને ઈ-સ્ટેમ્પિગના છઝ્રઝ્ર (ઓથોરાઈઝ્ડ કલેકશન સેન્ટર) તરીકેની નિમણૂંકની પરવાનગી આપ્યા બાદ આ સેન્ટરો ડિઝીટલ ઈ-સ્ટેમ્પિગની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકશે.
ડિજીટલ સ્ટેમ્પિગના ફાયદા જણાવતા મંત્રી કૌશિક પટેલે ઉમેર્યું કે, નાગરિકોને જ્યારે સ્ટેમ્પ ડ્યૂટીની ચુકવણી કરવાની હોય ત્યારે ડિજીટલ સ્ટેમ્પિગના ઓથોરાઈઝડ કેન્દ્રો ઉપરથી જરૂરી રકમની સ્ટેમ્પ ડ્યૂટીની ચુકવણી કરીને જરૂરી રકમનું ડિજીટલ સ્ટેમ્પ સર્ટિફીકેટ મેળવી શકશે. જેમાં પક્ષકારોના નામ ઉપરાંત દસ્તાવેજની વિગત તથા દસ્તાવેજની રકમ જેવી વિગતો પણ દર્શાવવામાં આવશે. ડિજીટલ સ્ટેમ્પ સર્ટિફીકેટ ધારણ કરનાર વ્યક્તિ દ્વારા સર્ટિફીકેટની ઓન લાઈન તેમજ મોબાઈલ એપ્લીકેશન દ્વારા પણ ખરાઈ કરી શકાશે. જેથી, સ્ટેમ્પ સર્ટિફીકેટની છેતરપિંડી કે ડુપ્લિકેશનનો કોઈ અવકાશ રહેશે નહીં.
પટેલે ઉમેર્યુ કે, ડિજીટલ સ્ટેમ્પિગ પધ્ધતિ અમલમાં આવવાથી આ પધ્ધતિ હેઠળ સ્ટેમ્પ ડ્યૂટીની ચુકવણી કરતા એક યુનિક સર્ટિફીકેટ નંબર જનરેટ થશે જેની ખરાઈ દસ્તાવેજ નોંધણી સમયે સબરજીસ્ટ્રાર કચેરી દ્વારા કરવામાં આવશે. જેથી, દસ્તાવેજની નોંધણી પણ સુરક્ષિત બનશે. આ ઉપરાંત, આ રેકર્ડની ઉપલબ્ધિ ઓનલાઈન હોવાથી તે કોઈ પણ સમયે ચકાસી શકાશે, તેનો પુરાવો પણ મેળવી શકાશે. વધુમાં, ડિજીટલ સ્ટેમ્પિગ પધ્ધતિમાં ફિઝીકલ સ્ટેમ્પિગ પધ્ધતિની જેમ એડવાન્સમાં કોરા સ્ટેમ્પ પેપર ખરીદવાની જરૂરીયાતમાંથી મુક્તિ મળતા નાગરિકોને રીફંડના પ્રશ્નો પણ ઉદભવશે નહીં. ઉપરાંત, જરૂરીયાત મુજબ કોઈપણ રકમની સ્ટેમ્પ ડ્યૂટી ચુકવવાની સુવિધા મળશે.