ધંધુકાના ફેદરા, હડાળા વચ્ચે રેલવેના અન્ડરબ્રિજમાં વરસાદી પાણી ભરાતા ગ્રામજનોને ભારે હાલાકી

379

ધંધુકા તાલુકાના ફેદરા- હડાળા ગામ જવાના મુખ્ય રસ્તા પર હાલમાં રેલ્વે તંત્ર દ્વારા  બ્રોડગેજ લાઈનના નવા ટ્રેક નાખવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ રસ્તામાં આવતા ફાટકના બદલે રેલ્વે પ્રશાસન દ્વારા અન્ડર બ્રિજ બનાવવામાં આવેલ છે. પણ વરસાદ દરમ્યાન આ અન્ડર બ્રિજમાં દસ ફુટ જેટલા પાણી ભરાયેલા છે. તેથી ગામ લોકોને આ રસ્તા પરથી પસાર થતા મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડી રહી છે. ફેદરાથી લીંબડી તરફ જવાનો આ એક જ મુખ્ય માર્ગ છે. આ અન્ડર બ્રિજના કારણે આજુ-બાજુમાં પણ પાણીનો કોઈ નિકાલ નથી તથા આ ભરાયેલું પાણી લાંબા સમય સુધી સુકાઈ તેમ લાગતુ નથી તેથી ગ્રામજનોને અવર-જવરમાં ભારે મુશ્કેલી સર્જાય છે.

આ અંગે ગામના મહિલા સરપંચ પિન્ટુબેન મેર દ્વારા ગ્રામ-પંચાયતમાં ઠરાવ કરીને તેમજ સંબંધિત તંત્ર સમક્ષ વારંવાર લેખિત રજુઆતો કરવા છતાં રેલવે તંત્ર કોઈ ધ્યાન આપતુ નથી તેથી ગ્રામજનો માટે આ સમસ્યા શિરદર્દ સમાન બની ગઈ છે. ગ્રમજનોને હજુ રેલવે તંત્રનો બ્રોડગેજનો લાભ મળ્યો નથી તે પહેલા જ પરેશાની ભોગવવાનો વારો આવતા લોકો અકળાય ઉઠ્યા છે. આ અંગે તંત્ર દ્વારા તાકિદે ઘટતી કાર્યવાહી હાથ ધરવામાં આવે તે જરૂરી બન્યું છે.

Previous articleરાણપુરના ઉપ.સરપંચ પદેથી રાજુબા પરમારનું રાજીનામુ
Next articleગણિત-વિજ્ઞાન-પર્યાવરણને લગતા પ્રશ્નોના જવાબ આપના વિદ્યાર્થીઓને કલમ ભેટ અપાઈ