ગુજરાતમાં એકબાદ એક મલ્ટિનેશનલ ફૂડ ફ્રેન્ચાઈઝીઓમાંથી જીવાત નીકળવાના મામલાઓ સામે આવી રહ્યા છે. વડોદરામાં બર્ગર કિંગની ફૂડ ફ્રેન્ચાઈઝીમાં બર્ગરમાંથી મચ્છર નીકળ્યો હતો. દુનિયાભરમાં ફેમસ એવી ફૂડ ફ્રેન્ચાઈઝીઓમાંથી જીવાત નીકળતાં રસ્તા પરની લારીઓ પર વધારે સ્વસ્છતા હશે તેવો ઘાટ સર્જાયો છે. તો રસ્તા પરની લારીઓ પર તવાઈ બોલાવતું તંત્ર એસીવાળી ફૂડ ફ્રેન્ચાઈઝીઓ સામે ક્યારે તવાઈ બોલાવશે તેના પર સવાલ ઊભા થઈ રહ્યા છે.
વડોદરાના રેસકોર્સ વિસ્તારમાં આવેલી આંતરરાષ્ટ્રીય બર્ગર કિંગના બર્ગરમાં મરેલું મચ્છર નીકળ્યું હતું. ગ્રાહકે જ્યારે બર્ગર ખાવા માટે બર્ગર હાથમાં લીધું કે તેને મરેલું મચ્છર જોવા મળ્યું હતું. બર્ગરમાં મચ્છર જોતા જ ગ્રાહકનાં હોશ ઉડી ગયા હતા. અને આ મામલે તેણે મેનેજરને ફરિયાદ કરી. જો કે મેનેજરે બર્ગર બદલી આપવાની તૈયારી બતાવીને પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો.
અગાઉ પણ વડોદરામાં પિઝા હટ્ટમાં જીવાત નીકળવાનો મામલો સામે આવ્યો હતો. ત્યારે એક બાદ એક આ રીતે જાણીતી ફૂડ ફ્રેન્ચાઈઝીમાં જીવાત નીકળવાના મામલાઓ સામે આવતાં ફૂડના રસિયાઓનો સ્વાદ બગડતો જાય છે. અને લોકો ચર્ચા પણ કરી રહ્યા છે કે, આવી મોંઘીદાટ ફૂડ ચેઈન કરતાં રસ્તા પરની લારીઓમાં વધારે સ્વચ્છતા અને ચોખ્ખું ખાવાનું મળી રહે છે.