પીએમના કાર્યક્રમમાં ૩૦૦ ટ્રાફિક જવાનો મોકલાતા બીજા જ દિવસે નિયમોની ઐસી કી તૈસી

556

કેવડિયા ખાતે નર્મદા માતાના વધામણા કરવા માટે આવેલા વડાપ્રધાનના બંદોબસ્તમાં વડોદરા શહેરના પોલીસ જવાનો ગયા હોવાથી નવા ટ્રાફિક નિયમની કામગીરી મોકૂફ રાખવામાં આવી હતી. જોકે, સાંજે ૫થી રાત્રિના ૮ સુધી ટ્રાફિક પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવશે. ૧૬ સપ્ટેમ્બરથી અમલમાં આવેલા ટ્રાફિકના નવા નિયમોના અમલના બીજાજ દિવસે શહેર ટ્રાફિક પોલીસ તંત્રને ટ્રાફિકના નવા નિયમોની કામગીરી બંધ રાખવાની ફરજ પડી હતી. પ્રથમ દિવસે ટ્રાફિક પોલીસના આકરા દંડથી બચવા માટે મોટાભાગના લોકો હેલ્મેટ પહેરીને તેમજ જરૂરી લાયસન્સ, પી.યુ.સી. સહિતના દસ્તાવેજો સાથે કામ ધંધાર્થે નીકળ્યા હતા. આજે બીજા દિવસે પણ લોકો દંડથી બચવા માટે હેલ્મેટ પહેરીને તેમજ જરૂરી દસ્તાવેજો સાથે લઇને નીકળ્યા હતા. પરંતુ, આજે એકપણ પોઇન્ટ ઉપર પોલીસ દ્વારા રોકવામાં ન આવતા વાહન ચાલકો આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. આજે સવારે ટ્રાફિકની કામગીરી બંધ રાખવા બાબતે એ.સી.પી. ટ્રાફિક અનિતા વાનાની પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, શહેર ટ્રાફિક પોલીસ તંત્રના ૩૦૦ પોલીસ જવાનો વડાપ્રધાનના બંદોબસ્તમાં ગયા હોવાથી ટ્રાફિકની કામગીરી બંધ રાખવામાં આવી છે. જોકે, વડાપ્રધાનના કાર્યક્રમનો બંદોબસ્ત પૂરો થયા બાદ સાંજે ૫થી રાત્રિના ૮ વાગ્યા સુધી ટ્રાફિકની કામગીરી પુનઃ શરૂ કરવામાં આવશે. ટ્રાફિકની કામગીરીમાં પણ એક કલાક ઘટાડવામાં આવ્યો છે. કારણ કે, રાત્રે ૯ વાગે વાહન વ્યવહાર ઓછો હોવાના કારણે ટ્રાફિક કામગીરીના સમયમાં એક કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે.

Previous articleફાયર સેફ્ટીના અભાવે ૯૮૦ દુકાનો સીલ કરાઈ, વેપારીઓમાં ફફડાટ
Next articleટ્રાફિક નિયમ તોડવા બદલ પ્રથમ દિવસે રૂ. ૭ લાખનો દંડ વસૂલાયો