એક તરફ ટ્રાફિક ના નિયમને અમલી બનાવવા પોલીસ તંત્ર મક્કમ છે ત્યારે બીજીતરફ જનતામાં નવા નિયમનોના અમલને લઈ ક્યાંકને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે. એટલું જ નહિ સોશિયલ મિડિયામાં પણ ટ્રાફિકના નવા નિયમોને લઈ લોકો રોષ ઠાલવી રહ્યાં છે, ત્યારે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એન.એસ.યુ.આઈ દ્વારા પણ ટ્રાફિકના નવા નિયમને કાળો કાયદો ગણાવી અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.
આજે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં એનએસયુઆઈના કાર્યકરો અને આગેવાનો પહોંચી ગયા હતા જ્યાં યુનિવર્સિટીના ગેટ પાસે બેસી ધરણા અને દેખાવો કરી ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતા. એન.એસ.યુ.આઈના કાર્યકરો હેલ્મેટ પહેરી નજીકના ટ્રાફિક પોલીસના બૂથ પર પહોચ્યા હતા જ્યાં પ્રદર્શનકારીઓએ બૂથ પર ચઢી જઈ ટ્રાફિકના નવા નિયમ વિરુદ્ધ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ વિરુદ્ધ દેખાવો કર્યા હતા.કૉંગ્રેસના યુવા પ્રદેશ મંત્રી સુભાન સૈયદે જણાવ્યું કે ’ટ્રાફિકના નવા નિયમો લોકો પર થોપી બેસાડવામાં આવ્યા છે જે કોઈ પણ ભોગે સાંખી લેવામાં આવશે નહિ. સૌથી પહેલાં સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવાની જરુર છે, રોડ રસ્તા સુધારવાની જરુર છે. તેમણે વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું,’સરકાર તંત્રને પૈસા પડાવવા પ્રોત્સાહન આપી રહી છે.
ટ્રાફિકના નવા નિયમ અને દંડની રકમની અસર ગરીબ વર્ગ પર પડી રહી છે. આવા નિયમમાં ગરીબ વર્ગ શોષાઈ રહ્યોં છે, જનો એન.એસ.યુ.આઈ વિરોધ કરી રહ્યું છે.