સિહોરના અનિડા ગામના ગ્રામજનો પર અચાનક જ કુદરતનો કાળો કેર વર્તતા અડધું ગામ અચાનક કાળને ભેટી ગયુ હતુ. એક જ ગામના ર૧ લોકોને રંઘોળા નજીક થયેલ એક ગમખ્વાર અકસ્સ્માતમાં કરૂણ કમકમાટીભર્યુ મોત થયુ હતુ. અનિડા ગામમાં સમસ્ત ગ્રામજનો ઉંડા શોકમાં ગમગીન છે જેને લઈને ગામના એક પણ ઘરમાં ચુલો જગ્યો નથી.
સિહોરનો હરહંમેશ લોકોની મદદ કરવા તત્પર રહેતા અને સમાજ સેવા સાથે સતત જોડાયેલા રહેતા એવા બરફવાળા પરિવાર દ્વારા આજે બપોરના ભોજનની વ્યવસ્થા કરીને અનિડા ગામે પહોંચી ગયા હતા. ત્યાં પહોંચી ગ્રામજનોને ભોજન કરાવ્યુ હતુ. દુઃખમાં ગળાડુબ ગ્રામજનોને ગળે પાણી પણ ન ઉતરે એવી સ્થિતિ થઈ છે ત્યારે ઈશ્વરની ઈચ્છા પાસે કોઈનું ચાલતુ નથી. દુઃખોનો પહાડ ગ્રામજનો પર આવી પડયો છે ત્યારે બરફવાળા પરિવાર દ્વારા અહીં આવીને લોકોના દુઃખમાં સહભાગી થઈ એક કોમી એકતાનો દાખલો પણ સમાજમાં બેસાડયો હતો. અનિડા ગામને પોતાનું અને ગ્રામજનોને પોતાના સ્વજન જ હોય એમ એમના દુઃખને સાથે મળી વહેંચવા આવી પહોંચ્યા હતા અને ભાવથી બધાને ભોજન કરાવ્યુ હતુ.