સમગ્ર ગુજરાત રાજ્યમાં ટ્રાફિકના નવા નિયમો લાગુ પડી ગયા છે ત્યારે લોકોમાં પણ આજે મેમોની બુમરાણ ઉઠી છે ,સોશિયલ મીડિયા પર લોકો જોક્સ બનાવી પોતાનો ગુસ્સો ઠાલવે છે, ત્યારે લોકોને ટ્રાફિક વિશેની સમજ આપવા માટે ચોકલેટ આપી સુરત પોલીસના ટ્રાફિક જવાને ટ્રાફિકનાં નિયમોનું પાલન કરવાની અપીલ કરી. સુરત પોલીસ દ્વારા પણ ટ્રાફિક પોલીસ અને ટી.આર.બી જવાનોને એક વિશેષ તાલીમ આપવામાં આવી છે. ઇન્ચાર્જ કમિશનર હરેકૃષ્ણ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ,પોલીસનો ઉદેશ લોકોમાં ટ્રાફિકના નિયમો અંગે સમજણ કેળવવાનો છે. સુરતના અડાજણ વિસ્તારના આ ટ્રાફિક પોલીસકર્મીએ પણ આવું જ કંઈ કરીને લોકોને કાયદા અંગે સમજ આપી હતી. પોલીસકર્મી પરેશ કુમાર અડાજણ રામનગર ચાર રસ્તા ખાતે પોતાની ફરજ પર હતા ત્યારે તેમણે હેલ્મેટ વિનાના લોકોના મેમો ફાડવાના બદલે તેઓને હેલ્મેટ અંગે સમજણ આપી હતી અને હેલ્મેટથી થતા ફાયદાઓ સમજાવ્યા હતા. જે લોકો હેલ્મેટ પહેરીને રસ્તા પરથી પસાર થતા હતા તેમને પરેશ કુમાર દ્વારા ચોકલેટ આપીને તેમનું સન્માન કરાયું હતું. આ પોલીસકર્મીના માનવતાના આ કામ થકી હાલતો તે ચર્ચામાં છે ત્યારે લોકોમાં પણ પોલીસ પ્રત્યેનો ડર દૂર થાય અને કાયદાની સમજણ આવે તે માટે આવી કામગીરી સરાહનીય છે.