વિદેશમંત્રી એસ જયશંકરે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરને લઇને આજે મોટુ નિવેદન કર્યું હતું જેની ચર્ચા આગામી દિવસોમાં રહે તેમ માનવામાં આવે છે. જયશંકરે પોકને ભારતીય હિસ્સા તરીકે ગણાવીને નવી ચર્ચા જગાવી દીધી છે. જયશંકરે કહ્યું હતું કે, તેમને આશા છે કે, પોક એક દિવસ ભારતના ભૌગોલિક હિસ્સા તરીકે રહેશે. જ્યાં સુધી પડોશી દેશ આતંકવાદને પ્રોત્સાહન આપવાનું બંધ નહીં કરે ત્યાં સુધી તેની સાથે કોઇપણ પ્રકારની વાતચીત યોજવામાં આવશે. મોદી-૨ના ૧૦૦ દિવસ પુરા થવાના પ્રસંગે વિદેશ મંત્રાલયની મોટી સિદ્ધિઓની વાત કરતા જયશંકરે કહ્યું હતું કે, પાકિસ્તાન એક યુનિક પડકાર તરીકે છે. તેમણે ઉમેર્યું હતું કે, અમને એક પડોશી દેશ તરફથી વારંવાર પડકારો મળતા રહે છે. પાકિસ્તાન સાથે સંબંધો એ વખત સુધી સુધરશે નહીં જ્યાં સુધી એક સામાન્ય પડોશી દેશ તરીકે તે બની જતું નથી અને સરહદ પાર આતંકવાદ પર પ્રતિબંધ લાગૂ કરતો નથી. જયશંકરે કહ્યું હતું કે, પાકિસ્તાનની સાથે અમારા એક જ મુદ્દા પર સંબંધો રહેલા છે. પાકિસ્તાન આતંકવાદીઓને સતત સમર્થન અને ટેકો આપે છે. પોતાની આ નીતિમાં ફેરફાર પાકિસ્તાન કરી રહ્યું નથી. પાકિસ્તાન ખુલ્લેઆમ પોતાના દેશમાં પડોશી દેશોની સામે આતંકવાદને પ્રોત્સાહન આપે છે જ્યાં સુધી આતંકવાદને ખતમ કરવાની વાત થશે નહીં ત્યાં સુધી તેની સાથે કોઇપણ પ્રકારની વાતચીત કરવામાં આવશે નહીં. જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ને દૂર કરવાને એક આંતરિક મુદ્દા તરીકે ગણાવીને જયશંકરે કહ્યું હતું કે, પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરને એક દિવસ ભારતના હિસ્સા તરીકે બનાવવામાં આવશે. અમને આશા છે કે, પોક ભારતનો હિસ્સો બની જશે. પાકિસ્તાનમાં જેલમાં રહેલા ભારતીય નાગરિક કુલભુષણ જાધવના પ્રશ્ન પર જયશંકરે કહ્યું હતું કે, અમારો ઉદ્દેશ્ય જાધવની સ્થિતિ જાણવાનો હતો. જાધવને મળવાના ઇરાદા સાથે તેમને અધિકારો અપાવવાનો હતો. અમે એક નિર્દોષ વ્યક્તિને દેશમાં પરત લાવવા માટેના પ્રયાસમાં છીએ. આના માટે આંતરરાષ્ટ્રીય સ્તર પઉપર લડાઈ ચાલી રહી છે.
કાયદાકીય લડાઈની ઉલ્લેખનીય રજૂઆતો ભારત તરફથી કરવામાં આવી રહી છે. પાકિસ્તાન ઉપર પ્રહાર કરતા જયશંકરે કહ્યું હતું કે, સરહદ પારથી આતંકવાદ સામે કોઇ પગલા લેવાઈ રહ્યા નથી. મોદી-૨ સરકારમાં સત્તા સંભાળી લીધા બાદ પ્રથમ પત્રકાર પરિષદને સંબોધતા જયશંકરે પોતાના મંત્રાલયની કામગીરીનો ૧૦૦ દિવસનો હિસાબ આપ્યો હતો. રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિના ઉદ્દેશ્યો મજબૂત રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, વૈશ્વિક મંચ ઉપર ભારતનો અવાજ હવે વધુ જોરદારીતે સાંભળવામાં આવે છે. ક્લાઈમેન્ટ કોન્ફરન્સમાં અને જી-૨૦ની બેઠકમાં પણ ભારતની નોંધ લેવામાં આવે છે. કલમ ૩૭૦ની નાબૂદી અને વૈશ્વિક આતંકવાદના મુદ્દા પર ભારતને ટેકો મળ્યો છે.