મોદીએ બટરફલાય ગાર્ડનમાં પતંગિયાને ઉડાડીને મુકત કર્યા

493

કેવડિયા ખાતે વડાપ્રધાન મોદી આજે સવારે ગાંધીનગરથી સીધા કેવડિયા પહોંચ્યા હતા. તેમણે નમામિ દેવી નર્મદમ કાર્યક્રમ અંતર્ગત ૭૦મા જન્મદિવસે નર્મદાના નીરના વધામણાં કર્યા હતા. દરમ્યાન તેમણે કેવડિયા ખાતે આવેલા વિવિધ પ્રકલ્પોની મુલાકાત લીધી હતી. ઉપરાંત બટર ફ્‌લાય ગાર્ડનની મુલાકાત લઈને પતંગિયાને ઉડાડ્‌યા હતા. વિવિધ સાઈટની મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદાના નીરના વધામણાં કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ૭૦મા જન્મદિને છલોછલ ભરેલા સરદાર સરોવર ડેમ ખાતે નર્મદા મૈયાની મહાઆરતી ઉતારી હતી. સાથે જ તેમણે ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચેલા નર્મદાના નીરના વધામણા કર્યાં હતા. પ્રસિદ્ધ ભાગવત કથાકાર વિરંચીપ્રસાદ શાસ્ત્રીની આગેવાનીમાં નર્મદા કાંઠાના ૧૦૦ વિદ્વાન ભૂદેવોએ આ પ્રસંગે વેદોક્ત મંત્રોચ્ચાર કર્યા હતા. વડાપ્રધાને પરંપરાગત રીતે શ્રીફળ અને ચુંદડી નર્મદા નદીમાં અર્પણ કરી હતી. દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે કેવડિયા પહોંચીને સ્ટેચ્યૂ ઓફ યુનિટી એક વીડિયો ઉતારીને તેમના ટિ્‌વટર પેજ પર શેર કર્યો હતો. વડાપ્રધાન મોદીએ એક બાદ એક જગ્યાએ મુલાકાત લીધી હતી. જેમાં જંગલ સફારી ટુરીસ્ટ પાર્ક, ખાલવણી ઈકો ટુરીઝમ સાઈટ, કેકટસ ગાર્ડન, સરદાર સરોવર ડેમ સાઈટ, બટર ફ્‌લાય ગાર્ડન, એકતા નર્સરીમાં ઈકો ફ્રેન્ડલી પ્રોડક્ટના પ્રોડક્શન સ્થળની મુલાકાત લીધી હતી. તેમની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના મહાનુભાવો જોડાયા હતા. નર્મદાના નીરના વધામણાં કરીને વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ ન્યૂટ્રિશન પાર્કની મુલાકાત લીધી હતી. મોદી નર્મદા ખાતેની વિવિધ પ્રકલ્પોની મુલાકાત લઇ નવા આકર્ષણો અને પ્રવાસીઓ ઉભી કરાયેલી સુવિધાઓથી ભારે પ્રભાવિત થયા હતા. તેમણે નવા આકર્ષણો અને સુવિધાઓને બિરદાવી હતી.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ પ્રથમવાર પૂર્ણ કક્ષાએ ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટી સુધી ભરાયો છે. યોગાનુયોગે આજે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ૭૦મો જન્મદિવસ હતો, નર્મદાના નીરના વધામણા અને મહાઆરતી બાદ વડાપ્રધાન સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી અને જાહેરસભાને પણ સંબોધી હતી. ત્યારબાદ કેવડિયાથી રવાના થયા બાદ તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા. રાજભવન ખાતે મહત્વની બેઠક યોજયા બાદ તેઓ દિલ્હી રવાના થયા હતા. નર્મદા ડેમ આજે ૧૩૮.૬૮ મીટરની પૂર્ણ સપાટીએ છલકાયો હતો. ગુજરાતના જનજનમાં મા નર્મદાના જળને નમામિ દેવી નર્મદે મહોત્સવથી વધાવવાનો અનેરો ઉમંગ ઊત્સાહ જોવા મળ્યો હતો. રાજ્યભરમાં મંત્રી મંડળના સભ્યો સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં તમામ જિલ્લા મથકોએ મુખ્ય કાર્યક્રમો તથા તાલુકા મથકોએ પણ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. એટલું જ નહી તમામ જિલ્લા પંચાયત સીટ દીઠ નમામિ દેવી નર્મદે મહોત્સવમાં વિવિધ રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યભરમાં ગામો તથા નગરોમાં સવારે લોકમાતા મા નર્મદા નીરના વધામણા શ્રીફળ ચુંદડી અર્પણ કરીને મહાઆરતી કરાઇ હતી. સાથે સાથે નદી કાંઠા, તળાવો, ચેકડેમ જેવા જળસ્ત્રોતોની સફાઇ પણ હાથ ધરાઇ હતી. સાથોસાથ ગ્રીન ગુજરાતની સંકલ્પના સાકાર કરતા વૃક્ષારોપણ કાર્યક્રમો પણ આ મહોત્સવ અંતર્ગત યોજાયા હતા.

Previous articleમોદીએ માતા હીરાબાને વંદન કરીને વિશેષ આશીર્વાદ લીધા
Next articleનર્મદાનું પાણી માત્ર પાણી નહી, પારસ છે : મોદી