દુષ્કર્મ કેસમાં જેલ ભોગવી રહેલા નારાયણ સાંઈએ સુરત સેશન્સ કોર્ટ દ્વારા તેને કરવામાં આવેલી આજીવન કેદની સજાને હાઈકોર્ટમાં પડકારતી અપીલ કરી હતી.આ કેસમાં નારાયણ સાંઇના વકીલ રફીક લોંખડવાલાએ એવી દલીલ કરી હતી કે, આ ફરિયાદ ૧૨ વર્ષ જૂની છે. પીડિતા ગુનો સાબિત કરવામાં નિષ્ફળ ગયેલી છે અને આ ફરિયાદ આસારામ અને નારાયણ સાંઈ વિરુદ્ધ ષડયંત્રનો એક ભાગ છે. જેનો ભોગ નારાયણ સાંઈ બન્યો છે. આ દલીલો બાદ હાઇકોર્ટે નારાયણ સાંઈની અપીલ દાખલ કરી હતી.આગામી દિવસોમાં નારાયણ સાંઇ તરફી જામીન અરજી દાખલ કરવામાં આવે તેવી પણ શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પીડિતાએ ફરિયાદ નોંધાવી હતી કે, તે આસારામ આશ્રમમાં સાધક હતી અને તેની સાથે ડિસેમ્બર ૧૩, ૨૦૦૧ ના રોજ દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતું પણ આરોપી વગદાર તથા પૈસાદાર હોવાને કારણે પીડિતા ફરિયાદ કરતા ડરતી હતી.તેણે આરોપ કર્યો હતો કે, હું આશ્રમમાં સાધિકા હતી અને હું આસારામ બાપુ અને નારાયણ સાંઈને ભગવાન માનતી હતી. નારાયણ સાંઇએ મને એક વખત કુટીયામાં બોલાવીને મારા પર દુષ્કર્મ કરેલું પણ આરોપી પૈસાદાર, વગદાર હતા અને રાજકીય વગ ધરાવતા હતા તેથી પીડિતાને મનમાં એવો ડર હતો કે હું જો આ લોકો વિરુદ્ધ ફરિયાદ કરીશ, તો મારી ફરિયાદ કોઈ કોર્ટ કચેરી કે કોઈ ધ્યાને નહીં લે. પણ ૧૨ વર્ષ બાદ જ્યારે આસારામ બાપુ વિરુદ્ધ જોધપુરમાં એક સગીરા ઉપર બળાત્કાર કરવાનો કેસ થયો અને આસારામબાપુને જેલ થઈ અને તેમના જમીન રદ્દ કરવામાં આવ્યા ત્યારે પીડિતાને એમ થયેલુ કે, જો એક સગીરા આ લોકોની વિરુદ્ધ ન્યાય મેળવવા માટે હિંમત બતાવી શકતી હોય, તો મારે પણ તેમ કરવું જોઈએ.
તેથી પીડિતાએ નારાયણ સાઈ વિરુદ્ધ ફરિયાદ કરી હતી.
પીડિતાની ફરિયાદને લઈને સુરત સીટી સેશન્સ કોર્ટ દ્વારા નારાયણ સાંઈને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ પીડિતાની બેને પણ આસારામ બાપુ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવેલી છે.