ગુજરાત રાજયની જીવાદોરી સમાન નર્મદા નદી પર બાંધવામાં આવેલ સરદાર સરોવર ડેમનું બાંધકામ પુર્ણ થયા બાદ પ્રથમ વખત નર્મદા ડેમની પુર્ણ સપાટી એટલે કે, ૧૩૮.૬૭ મીટર સુધી જળરાશી ભરાયેલ છે. આમ ગુજરાતની પ્રજાનું વર્ષો જુનું સ્વપ્ન પરિપુર્ણ થતા રાજય સરકાર દ્વારા આ ઐતિહાસિક ક્ષણની ઉત્સાહભેર ઉજવણી કરવાનું નકી કરવામાં આવેલ જે અંતર્ગત જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ભાવનગર જિલ્લાકક્ષાનો નમામિ દેવી નર્મદે મહોત્સવ રાજયમંત્રી સુશ્રી વિભાવરીબેન દવે તેમજ પુજય સંતશ્રી મોરારી બાપુની પ્રેરક ઉપસ્થિતીમાં મહુવા તાલુકાના વડલી ગામે ભુતનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજયમંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે, જેના દર્શન માત્રથી સૌના પાપ ધોવાય તેવી પવિત્ર માં નર્મદાના નીર એ કેનાલ લાઇન નથી પરંતુ લાઇફ લાઇન છે. આ તકે રાજયમંત્રીશ્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને જન્મદિનની સુભેચ્છા આપી હતી. તેમજ ભુતકાળની ઘટનાઓ વાગોળતા જણાવ્યું હતું કે નર્મદાનીર ઘર ઘર સુધી પહોચાડવા ખુબ લાંબો સંઘર્ષ કરવો પડયો છે, દેશના વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઇ મોદી ડેમની ઉંચાઇ વધારવા ઉપવાસ પર બેઠા તેમજ ડેમના દરવાજા મુકવા ખુબ રજુઆતો, અથાક પ્રયત્નો કર્યા ત્યારે આજ આપણે સૌ એના સારા ફળ મેળવી રહયા છીએ.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલ પુજય સંત મોરારી બાપુએ આર્શીવચન આપતા જણાવ્યું હતુ કે, ઇશ્વરે આપેલ પાંચેય તત્વોની જાળવણી કરવીએ આપણી ફરજ છે, જળ એ જ જીવન છે તેની જાળવણી કરશુ તો આવતીકાલ સુખમય બનશે સંત મોરારી બાપુએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ આપતા ઉમેર્યુ હતુ કે, એક ગુજરાતીએ રાજય, રાષ્ટ્ર તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આટલુ મોટુ ગજુ કાઢયું એ આપણા માટે ગૌરવની વાત. પુજ્ય મોરારીબાપુએ વધુમા ઉમેર્યુ હતુ કે શાસ્ત્રાનુસાર જે રાષ્ટ્રનો રાજા ગતિવાન, નીતિવાન તેમજ સુમતિવાન હોય એને ત્યાં કયારેય વરસાદની મુશ્કેલી પડતી નથી. આ પ્રસંગે ઉપસ્થિત રહેલ મહુવાના ધારાસભ્ય આર.સી.મકવાણાએ જણાવ્યું હતુ કે, નર્મદા નદીની પુર્ણ સપાટી ભરાતા આગામી ૩ વર્ષ માટે સૌની યોજના મારફત સીંચાઇ તેમજ પીવાના પાણીનો પ્રશ્ન હલ થશે. આ કાર્યક્રમને અંતે ઉપસ્થિત સૌને મેઘ લાડુનો પ્રસાદ અપાયો હતો, તેમજ મંત્રી વિભાવરીબેન દવે અને પુજય મોરારી બાપુએ વૃક્ષારોપણ કર્યુ હતુ. ભુતનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ તેમજ પ્રાદેશિક નગરપાલિકાના કમિશ્નર યોગેશ નિરગુડેએ શ્રમદાન કરી સફાઇ કામ કર્યુ હતુ. આ કાર્યક્રમમાં મહુવાના પુર્વ ધારાસભ્ય ભાવનાબેન મકવાણા, મહુવા નગરપાલિકાના પ્રમુખ જતિનભાઇ પંડયા, નગરપાલિકા, તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતના સભ્યઓ, જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, પ્રાદેશિક નગરપાલિકા કમિશ્નર યોગેશ નિરગુડે, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોર, નિવાસી અધિક કલેક્ટર ઉમેશ વ્યાસ,પ્રાંત અધિકારી એસ.એમ રજવાડી, કાર્યપાલક ઇજનેર સિંચાઇ એસ.જી.પટેલ, ડી.આર.પટેલ, મામલતદાર આર.એલ. કનેરિયા તેમજ બહોળી સંખ્યામાં મહુવા તાલુકા તેમજ આજુ બાજુના વિસ્તારમાંથી ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.