શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મુંબઇમાં વિનાયક દામોદર સાવરકરને ભારત રત્ન આપવાની માગણી કરી હતી. તેમણે જણાવ્યું કે, જો તેઓ દેશના પહેલા વડાપ્રધાન બન્યા હોત તો પાકિસ્તાન ક્યારે અસ્તિત્વમાં જ આવ્યું નહોત. અમે ગાંધી અને નહેરૂના કામોથી ઇનકાર નથી કરતા. એ કહેવું વધારે યોગ્ય હશે કે મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરૂએ દેશ માટે યોગદાન આપ્યું, પરંતુ એનો અર્થ એ નથી કે કોઇ અન્ય વ્યક્તિએ રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપ્યું નથી.
ઠાકરેએ વીર સાવરકરની બાયોગ્રાફી- ઇકોઝ ફ્રોમ એ ફોરગોટન પાસ્ટના વિમોચન પર જણાવ્યું હતું કે, અમારી સરકાર આજે હિન્દુત્વની સરકાર છે અને હું વીર સાવરકર માટે ભારત રત્નની માગ કરું છું. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણી દરમિયાન જ્યારે રાહુલ ગાંધીએ સાવરકરની વિરુદ્ધ નિવેદન આપ્યું હતું તો હું પહેલો વ્યક્તિ હતો જેણે કહ્યું હતું કે રાહુલ ગાંધી બેકાર છે. આ પુસ્તકની એક નકલ રાહુલને પણ આપવી જોઇએ.
ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ કહ્યુ હતું કે નહેરૂ દેશ માટે જેલમાં રહ્યા હતા. હું તેમને જણાવવા માગુ છું કે સાવરકર ૧૪ વર્ષ સુધી જેલમાં રહ્યા અને તેમને ખૂબ જ પીડા સહન કરી હતી. જો નહેરૂને ૧૪ મિનિટ માટે પણ પીડા થઇ હોત તો તેમને હું વીર કહેતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સાવરકરને જેલમાં રાખવામાં આવ્યા હતા તે હવે એક પિકનિક સ્પોટ બની ગઇ છે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. જેલ લોકો માટે એક પિકનિક સ્થળ બની ગઇ છે. પરંતુ લોકો એ નથી જાણતા કે જેલના દિવસો દરમિયાન સાવરકરને કેટલી પીડા થઇ હતી.