ઓલપાડના કારેલી ગામની સીમમાંથી થતી ગાંજાની ડિલીવરી પર લોકોએ વોચ ગોઠવીને જનતા રેડ કરી હતી. લોકોએ ગાંજાના જથ્થા સાથે ત્રણ પરપ્રાંતિયને ઝડપી લઈને પોલીસ હવાલે કર્યાં હતાં.
ઓલપાડના કારેલી ગામની સીમમાં કારેલી-કુડસદ રોડ પર ગાંજાની ડિલીવરી થઈ રહ્યાનું ખેડૂતોના ધ્યાનમાં આવ્યું હતું. જેથી ગામના આગેવાનો દ્વારા કારેલી કૂડસદ રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન આજે સવારે એક ઓટોરિક્ષા(જીજે ૫ એઝેડ ૦૧૩૧) અને વેગન આર કાર (જીજે ૫ સીએલ ૨૦૯૭) ગાંજાની ડિલીવરી કરતા રંગે હાથ લોકોએ ઝડપી લીધી હતી. બાદમાં પોલીસને જાણ કરીને બન્ને વાહનો અને ત્રણેયને જિલ્લા એસઓજીના હવાલે કર્યા હતાં.
સ્થાનિકોએ જણાવ્યું હતું કે, અહીં ગાંજાનો મોટા પ્રમાણમાં વેપલો ચાલી રહ્યો છે. લોકો દ્વારાઆ ચોથી જનતા રેડ કરીને ગાંજાના જથ્થા સાથે લોકોને ઝડપી લેવામાં આવ્યાં છે. પરપ્રાંતિયો દ્વારા આ સમગ્ર વેપલો ચલાવવામાં આવી રહ્યો છે. આ અંગે પોલીસ પણ કુણૂં વલણ રાખતી હોય તેમ આ ધંધો અહીં ફૂલી ફાલી રહ્યો છે.