વરિયાવમાં આવેલી સી.જે. પટેલ વિદ્યાધામ કોમર્સ કોલેજ અને લો કોલેજમાં પ્રાથમિક સુવિધાઓ ન હોવાના રોષ સાથે વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓની સાથે એનએસયુઆઈ જોડાતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. જેથી પોલીસે ૧૫ જેટલા વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી.
વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, લગભગ ૮૦૦ જેટલા વિદ્યાર્થીઓ કોલેજમાં અભ્યાસ કરે છે. છેલ્લા બે વર્ષથી રજૂઆત કરવા છતાં પાયાની સુવિધા જેવી કે, કેન્ટીન ૧૦ વર્ષથી ચાલતી હતી પરંતુ બે વર્ષથી બંધ કરી દેવાઈ તે ફરી શરૂ કરાઈ નથી. કોલેજમાં મિનરલ પાણીની સુવિધા નથી જેથી ગંદુ અને અસ્વચ્છ પાણી પીવાની વિદ્યાર્થીઓને ફરજ પડે છે.
સ્વચ્છતાના નામે મીંડુ હોય તેમ ટોયલેટની સમસ્યા છે. કોલેજને ફેન્સિંગ તારની વાડ કરી છૂંટુ કરાયેલું ગ્રાઉન્ડ ખુલ્લું કરવું જોઈએ.કોલેજમાં પુરતાં પ્રમાણમાં પ્રોફેસર નથી તો તેની તાત્કાલિક ભરતી થવી જોઈએ. બે વર્ષથી રજુઆત કરતા વિદ્યાર્થીઓને નવા ટ્રસ્ટી મંડળ સાંભળતા નથી એવા તમામ ટ્રસ્ટીઓને દૂર કરીને કોલેજને ઈન્ચાર્જ આચાર્ય નહી પણ કાયમી આચાર્ય મળે તેવી વિદ્યાર્થીઓની સાથે રહીને એનએસયુઆઈ દ્વારા માંગ કરવામાં આવી હતી.