મહુવા રાજુલા નેશનલ હાઈવે બિસ્મારના કારણે ફરી એકવાર ગંભીર દુર્ઘટના સહેજેમાં ટળી હતી. હજુ તો ગઈકાલની રંઘોળાની અકસ્માતની ગંભીર દુર્ઘટના આંખો સામેથી દુર થઈ નથી ત્યાં આજે ફરી એકવાર માલવાહક વાહન છોટાહાથીમાં મુસાફરો ભરી જઈ રહ્યો હતો ત્યારે ડ્રાઈવરે કાબુ ગુમાવતા વાહને પલટી મારી જતા મહિલા-બાળકો સહિત ૧૭ જેટલા લોકોને નાની મોટી ગંભીર ઈજાઓ થતા છકડો રીક્ષામાં સારવાર અર્થે હનુમંત હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.
અકસ્માતની ઘટના મહુવાના માઢીયા નજીક બની હતી. સવારે ૧૦ વાગ્યાના સુમારે મહુવાના એક કોળી પરિવારના લોકો મહુવાથી રાજુલાના કઠીવદરપરા ખાતે કારજના કામ સબબ જઈ રહ્યા હતા ત્યારે બિસ્માર માર્ગ હોવાના કારણે ડ્રાઈવર રોદા તારવવા જતા સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા છોટા હાથી વાહને જીજે ૪ એ ૩૧૪પ ગુલાંટ મારી હતી અને ર૦ ફુટ જેટલું રોડ પર ઢસડાયું અને કાંટાની વાડમાં પડ્યું હતું. જેમાં બેઠેલા ૧૭ જેટલા મુસાફરોને નાની મોટી ગંભીર ઈજાઓ થતાં ખાનગી વાહનોની મદદ વડે સારવારમાં ખસેડાયા હતા. ઘટનાની જાણ થતા મહુવા પ્રાંત અધિકારી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને રોડ પર કોઈ આગળ પાછળ મોટા વાહનો આવતા જતા ન હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી. મહુવા પોલીસ દ્વારા બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.