૧૭ સપ્ટેમ્બરે કેવડિયા સર્કિટ હાઉસ ખાતે અન્ય પોલીસ સબ ઈન્સ્પેક્ટરની સર્વિસ પિસ્તોલ માંગીને પોલસકર્મીના આત્મહત્યા કરવાના કેસમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. નવસારી જિલ્લામાં ફરજ બજાવતાં અને કેવડિયા સર્કિટ હાઉસ ખાતે વિશેષ બંદોબસ્ત માટે તહેનાત કરવામાં આવેલા પીએસઆઈ એન.સી. ફિણવીયાએ અન્ય પીએસઆઈ એમ. બી. કોંકણીની સર્વિસ પિસ્તોલ માંગીને આત્મહત્યા કરતાં નવસારી જિલ્લા વડાએ કાર્યવાહી કરતાં સર્વિસ પિસ્તોલ આપનારા પીએસઆઈ કોંકણીને સસ્પેન્ડ કરી દીધા છે.
પીએસઆઇ નિલેશ ફિણવીયાએ ’મારે ફોટો પડાવવો છે’ એવું કહીને પીએસઆઇ કોંકણી પાસેથી સર્વિસ પિસ્તોલ માંગી હતી. ત્યારબાદ સર્કિટ હાઉસ ખાતે જ લમણે ગોળી મારીને પીએસઆઈ ફિણવીયાએ આત્મહત્યા કરી દીધી હતી. બે નાના બાળકોને નોધારા છોડીને આપઘાત કરી લેનારા નિલેશ ફિણવીયાની અંતિમ યાત્રા નિવાસ સ્થાનેથી અશ્વિનિકુમાર સ્માશાન ગૃહ સુધી યોજાઈ હતી ત્યારે ગમગીનીભર્યા દ્રશ્યો સર્જાયાં હતાં. મૃતકની પત્નીએ કલ્પાંત કરી મુક્યો હતો.સાથે જ પરિવારના સભ્યોના રૂદનથી ગમગીનીનો માહોલ સર્જાયો હતો.