ગુજરાત સરકાર દ્વારા ૧૬ સપ્ટેમ્બરથી નવા મોટર વ્હીકલ એક્ટનો અમલ શરુ કરાયો હતો. પરંતુ ત્રણ દિવસમાં જ સરકારે પોતાની નિષ્ફળતાઓ છૂપાવવા માટે નિર્ણયને બદલીને નવા મોટર વ્હીકલ એક્ટને ૨૭ દિવસ એટલે કે ૧૫ ઑક્ટોબર સુધી લંબાવી જાણે પ્રજાને રાહત આપી હોય તેવુ લાગી રહ્યું છે. આ નવા નિયમના અમલ પહેલા સરકારે કોઇ પણ જાતનું આગોતરું આયોજન કર્યું નહોતુ. પીયૂષી માટે લાંબી લાઇનો લાગી હતી તો લાયસન્સ માટે બેથી ત્રણ મહિનાનું વેઇટિંગ બોલતા આખરે સરકારે નિર્ણય બદલવા માટે ફરજ પડી હતી.વિજય રૂપાણી સરકારે રાજ્યના લોકોને નવા મોટર વ્હીકલ એક્ટના અમલ બાબતે આંશિક રાહત આપી છે. સરકારની જાહેરાત પ્રમાણે નવા મોટર વ્હીકલ એક્ટના અમલની મુદતમાં આશરે એક મહિનાનો વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા આ નિયમ તારીખ ૧૬ સપ્ટેમ્બરથી રાજ્યમાં લાગુ કરી દેવામાં આવ્યો હતો. હવે રાજ્યમાં આ મુદત ૧૫મી ઓક્ટોબર સુધી લંબાવી દેવામાં આવી છે. આ મામલે વાહનવ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી.
વાહનવ્યવહાર મંત્રી આર.સી. ફળદુએ જણાવ્યું કે, “આજે મુખ્યમંત્રીની આગેવાનીમાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં ટૂંકી મુદતમાં હેલ્મેટ દુકાનોમાં કેવી રીતે ઉપલબ્ધ બનશે તેની ચર્ચા બાદ હેલ્મેટ અંગે નવા નિયમની અમલવારીમાં ૧૫મી ઓક્ટોબર સુધી છૂટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. લોકો કામધંધા છોડીને PUCને માટે લાંબી લાઈનોમાં લાગે છે તે સત્યનો સ્વીકાર કરીને તેમાં પણ આ છૂટ આપવામાં આવી છે. રાજ્યમાં PUCના ૯૦૦ સેન્ટરો ખોલવામાં આવશે.
વાહનવ્યવહાર મંત્રીએ જાહેરત કરતા જણાવ્યું હતું કે, “કેબિનેટમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે હવેથી રાજ્યના તમામ ટુ-વ્હીલર ડિલરોએ વાહન વેચવાની સાથે સાથે કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર ફરજિયાત હેલ્મેટ આપવાનું રહેશે. આ માટે તેઓ કોઈ પણ ચાર્જ નહીં લઈ શકે. આ મામલે પરિપત્ર જાહેર કરવામાં આવશે. આ હેલ્મેટ ISI ગુણવત્તાવાળું હશે.
મંત્રીની સ્પષ્ટતા પ્રમાણે જે લોકોએ પહેલાથી જ દંડ ભરી દીધો છે તેને પાછો આપવામાં નહીં આવે. મંત્રીના કહેવા પ્રમાણે લોકોની સગવડતા માટે મુદત વધારવામાં આવી છે. પરંતુ જે રકમ જમા થઈ છે તેને પરત આપવામાં નહીં આવે.
વાહનવ્યવહાર મંત્રીની જાહેરાત પ્રમાણે ટ્રાફિકના નવા નિયમોના અમલની મર્યાદા જ વધારવામાં આવી છે. એટલે કે હાલમાં કોઈ વ્યક્તિ જો ટ્રાફિક નિયમો તોડશે તો ટ્રાફિકના જૂના નિયમો પ્રમાણે દંડ વસૂલ કરવામાં આવશે.
મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, “વિજય રૂપાણી તરફથી ઉપયોગમાં લેવામાં આવતા બંને વાહનો ય્ત્ન૧૮ય્ ૯૦૮૫ અને ય્ત્ન૧૮ય્ ૯૦૮૬ ડીજીપી અને આઈજીપી ભવનના નામે નોંધાયેલા છે. બંને વાહનોની રજીસ્ટ્રેશનની સમય મર્યાદા ૧૫ વર્ષની છે. આથી તેમની સમયમર્યાદા અંગે કોઈ પ્રશ્ન ઉભો થતો નથી. ૨૦૨૯ સુધીની બંને વાહનોની વેલિડિટી છે. બંને વાહનોનો નેશનલ ઇન્શ્યોરન્સ કંપની મારફતે ૩૧-૧૨-૨૦૧૯ સુધીનો વીમો લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના કાફલાના તમામ વાહનોનાં PUC સર્ટિફિકેટની મુદત ૩૦-૦૯-૨૦૧૯ સુધીની છે. અત્રે નોંધનીય છે કે ગુજરાત સરકારે અગાઉ ૧૫મી સપ્ટેમ્બરથી ટ્રાફિક રૂલ્સના નવા નિયમો મુજબ દંડનીય વસૂલાત કરવાનો નિર્ણય કર્યો હતો જેને પગલે સમગ્ર ગુજરાતમાં પીયુસી કઢાવવા માટે લાંબી કતારો લાગી ગઇ હતી એટલું જ નહીં હેલ્મેટની ખરીદી માટે પણ લોકો એ ભારત ધસારો કર્યો હતો.