ગાંધીનગર જિલ્લામાં ત્રણ હત્યા કરી ફફડાટ ફેલાવનાર સિરિયલ કિલર મદન ઉર્ફે મોનિશ માલી હત્યા કર્યા બાદ પિસ્તોલ તેના ઘરના ઈલેક્ટ્રિક સ્વિચ બોર્ડમાં સંતાડી દેતો હતો. સીઆઈડી ક્રાઈમની ટીમ આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન માટે તેના ચાંદખેડા અને સરખેજના ઘરે લઈ ગઈ હતી. પોલીસે ત્રણ પૈકી શેરથા હત્યા કેસનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. સરખેજમાં રહી આરોપી મોનિશે નાની હોટલ ચાલુ કરી દીધી હતી. આમ, સિરિયલ કિલર મદન ઉર્ફે મોનિશના કેસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. કોર્ટે શેરથા હત્યા કેસમાં મોનિશનાં છ દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છે. સિરિયલ કિલર મોનિશ માલીની સીઆઈડી ક્રાઈમ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પૈસા નહી આપનાર લોકોની હત્યા કર્યા બાદ તે પિસ્તોલ તેના ઘરના ઈલેક્ટ્રિક સ્વિચ બોર્ડમાં છુપાવી દેતો હોવાનો ઘટસ્ફોટ તેણે કર્યો હતો. ચોરીનું સુઝુકી સ્કુટર અને એક્ટિવા પણ તેના ઘરથી ઘણે દૂર પાર્ક કરતો હતો.
તેની પત્ની પણ આ તમામ હરકતોથી અજાણ હતી. શેરથા જુઠાજી ઠાકોરની ગોળી મારીને કરાયેલી હત્યા કેસમાં સીઆઈડી ક્રાઈમે બનાવનું રિકન્સ્ટ્રકશન કર્યું હતું. કયા રસ્તે ગયો હતો, ક્યાંથી પરત આવ્યો હતો વગેરે તપાસ કરી હતી. પોલીસ આરોપીને ચાંદખેડાના વિસત પેટ્રોલપંપ પાછળ ગાયત્રીનગર વિસ્તારના ઘરે લઈ ગઈ હતી. તે સમયે તેને જોવા માટે લોકોના ટોળેટોળા એકઠા ભેગા થયા હતા. હત્યારો હોવાની ખબર પડતા તેની પાડોશમાં રહેતા અને તેને ઓળખતા લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. અહીં તે અઢી વર્ષ રહ્યો હતો અને શાકભાજી તથા ચોળાફળીની લારી ચલાવતો હતો. પરંતુ તેની પર કોઇને શક ન હતો. સીસીટીવી ફૂટેજ અને સ્કેચ બહાર આવતાં મદને ચાંદખેડાનું ઘર બદલીને સરખેજ ધોળકા રોડ પર રહેવા જતો રહ્યો હતો. અહીં તેણે લક્ષ્મીનારાયણ ભોજનાલય નામની નાની હોટેલ ચાલુ કરી હતી. જ્યાં આજુબાજુમાં કામ કરતા મજૂરો જમવા માટે આવતા હતા. પોલીસે મોનિશની સઘન પૂછપરછ હાથ ધરી તેમાં બહુ મહત્વની વિગતો સામે આવતાં કેસમાં પોલીસને ઘણી ખૂટતી કડીઓ મળી હતી.