ખેતી અને પશુપાલન એ ખૂબ મોટો વ્યવાસય છે અને એમાં પણ સૌથી વધુ સમયનો ભોગ આપતી હોય તો, તે છે મહિલા. નારી તું નારાયણીના મર્મ સાથે ગાંધીનગર જિલ્લાના મહિલા પશુપાલકો તથા ડેરીમાં કામ કરતી મહિલા કર્મચારીઓનું મધુર ડેરી દ્વારા વિશેષ સન્માન કરવા મધુર મહિલા ગૌરવ દિન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં, દૂધ મંડળીઓના મહિલા ચેરમેનો, સભાસદો તેમજ મધુર ડેરીની મહિલા કર્મચારીઓ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.
ઉલ્લેખનિય છે કે, ગાંધીનગર જિલ્લાની મધુર ડેરીના ચેરમેન ડો.શંકરસિંહ રાણાના નેતૃત્વવાળા નિયામક મંડળમાં ૩૩ ટકા મહિલાઓ નિયામક છે. મહિલા સંચાલિત દૂધ મંડળીઓની સંખ્યા પણ ધીરે-ધીરે વધી રહી છે, ત્યારે મહિલા સશક્તિકરણનો વિચાર ખરેખર અમલમાં મુકાયો છે. મધુર ડેરીના ઈન્ચાર્જ એમ.ડી. તરીકે પણ હાલમાં એક મહિલાને નિમણુંક આપવામાં ડેરીના સંચાલક મંડળ અને ચેરમેનની મહિલા પ્રત્યેના સન્માન અને સોચનું એક સચોટ ઉદાહરણ છે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહિલા આગેવાનોએ સુશાસન, પ્રમાણિક્તા અને સાહસ સાથે પશુપાલન ક્ષેત્રે નવીન પ્રયોગ અને પહેલ કરી, સંગઠન અને જિલ્લા સંઘને વધુ મજબુત કરવાનો બોધપાઠ પણ લીધો હતો. ડિજીટલ ઈન્ડિયાના ભાગરૂપે ર૦૦થી વધુ સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓ અને મંડળીઓના ચેરમેનોને આ કાર્યક્રમમાં દૂધ ઉત્પાદન અને વ્યવસાયમાં ઓનલાઈન ઓટોમેટિક મિલ્ક કલેક્શન સિસ્ટમની માહિતી પણ આપવામાં આવી હતી. બધી મંડળીઓ પારદર્શક વહિવટ કરે અને સભાસદોને સચોટ માહિતી મળી રહે તે માટે તમામ મંડળીઓને આ સિસ્ટમમાં જોડાવા અનુરોધ પણ કર્યો હતો. મહિલા દિનની આ દબાદબાભેર ઉજવણી માટે સૌ મહિલાઓએ ડેરીના ચેરમેનનો આભાર વ્યક્ત કર્યો હતો.