મહાવીર સિંહ ફોગાટની ભત્રીજી વિનેશ ફોગાટે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતવા ઉપરાંત આગામી ઓલિમ્પિકમાં પણ પોતાનું સ્થાન નક્કી કરી લીધું છે. ભારતીય મહિલા કુસ્તિબાજ વિનેશ ફોગાટે તેની ઓલિમ્પિક ક્વોલિફાયર મેચ જીત્યા બાદ એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. વિનેશે જણાવ્યું કે તેણે તેના કોચની સલાહ કરતા બિલકુલ ઊલટું કર્યું હતું જેને પગલે તે ક્વોલિફાઇ થઈ શકી છે. વિનેશ ફોગાટના કોચ વૂલર એકોસે રણનીતિ ઘડી હતી જેમાં તેને યુએસની હરિફ રેસલર સારાહ એન હિલ્ડેબ્રાન્ડ્ટથી દૂર રહીને તેના જમણા હાથને બ્લોક કરી પોતાના પગ સુરક્ષીત રાખવા જણાવ્યું હતું. જ્યારે વિનેશે જણાવ્યું કે, તેણે કોચની રણનીતિથી બિલકુલ વિપરીત રમત રમી હતી.
‘કોચે મને કંઈજ જુદી સલાહ આપી હતી પરંતુ મેચ દરમિયાન મેં કંઈક જુદો જ અનુભવ કર્યો અને તે મુજબ રણનીતિ બદલી હતી. મને લાગ્યું કે તે હાવી થઈ રહી છે, પરંતુ હું પોઈન્ટ આપતી નહતી જેથી તે થાકી ગઈ હતી.’ વિનેશ ફોગાટે ૫૩ કિલોગ્રામ વજન શ્રેણીમાં કાંસ્ય પદક જીત્યો હતો અને ૨૦૨૦ ટોક્યો ઓલિમ્પિકમાં પોતાનું સ્થાન નક્કી કરી લીધું છે.વિનેશે મેચ જીત્યા બાદ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ‘મે વિચાર્યું કે તેને મારો પગ આગળ કરીને લલચાવું અને બાદમાં મજબૂત ડિફેન્સ કરું જેથી તેને વધુ જોર લગાવવું પડે અને અંતે તે થાકી જાય. મેટ પર તાત્કાલિક ઘડેલી રણનીતિ કામ કરી ગઈ. મારા કરતા તેનામાં કેટલી વધુ તાકાત હતી તેનો મને અંદાજો હતો.’