કાશ્મીર મુદ્દો બંન્ને દેશો પરસ્પર વાતચીતથી ઉકેલ લાવેઃ સંયુક્ત રાષ્ટ્ર

367

મોદી સરકારે જમ્મુ-કાશ્મીરને લઈને લીધેલા નિર્ણયથી પાકિસ્તાન બરાબરનું રઘવાયુ થયું છે. હવે તે દુનિયાભરમાં ધમપછાડા કરી રહ્યું છે. અમેરિકા, રશિયા, મુસ્લીમ દેશ, ફ્રાંસ, યૂરોપીય યૂનિયન તેમજ ખુદ ચીન બાદ હવે સંયુક્ત રાષ્ટ્રએ પણ પાકિસ્તાનના ગાલ પર અવળા હાથનો તમાચો ઝીંક્યો છે.

સંયુક્ત રાષ્ટ્રએ પાકિસ્તાનને મોટો આંચકો આપતા કાશ્મીર મુદ્દે કોઈ પણ પ્રકારની મધ્યસ્થતા કરવાની ઘસીને ના પાડી દીધી છે. યુએનનું કહેવું છે કે બંને દેશો પરસ્પર વાતચીતથી સમસ્યાનો ઉકેલ લાવે.

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટરેસે કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ પર નિવેદન આપતા કહ્યું હતું કે, હું એ વાત સાથે સ્પષ્ટ મત ધરાવું છું કે કાશ્મીરમાં માનવાધિકારોનું સંપૂર્ણ રીતે સન્માન થવું જોઈએ. અને એ વાત ઉપર પણ સ્પષ્ટ મત ધરાવું છું કે કાશ્મીર સમસ્યાના સમાધાન માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત એક આવશ્યક તત્વ છે. યુએન મહાસચિવે કહ્યું હતું કે, કાશ્મીર મુદ્દે કોઈ ત્રીજા પક્ષની જરૂરિયાત નથી.

આ અગાઉ ગઈ કાલે બુધવારે જમ્મુ અને કાશ્મીર પર યુરોપિયન યુનિયને પાકિસ્તાનને ખુબ જ ફટકાર લગાવી. પોલેન્ડે આકરા તેવર અપનાવતા કહ્યું હતું કે, ભારતમાં આતંકીઓ ચંદ્ર પરથી નથી આવતા પરંતુ પાકિસ્તાનમાંથી આવે છે. પોલેન્ડે આ વાત ઈયુની સંસદમાં કહી. આ બાજુ ઈટલીએ કહ્યું કે પાકિસ્તાની આતંકીઓ યુરોપમાં હુમલાની યોજના ઘડી રહ્યાં છે. ફ્રાન્સના સ્ટ્રોસબર્ગમાં યુરોપીય સંઘની સંસદે બુધવારે ગત ૧૧ વર્ષોમાં પહેલીવાર કાશ્મીર પર ચર્ચા કરી અને ભારતને પોતાનું સમર્થન જાહેર કર્યું. અહીં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાના મુદ્દે વાતચીત થઈ. આ અગાઉ ૨૦૦૮માં અહીં કાશ્મીર મુદ્દો ઉઠ્યો હતો.

જાહેર છે કે, કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્યા બાદ જમ્મુ અને કાશ્મીરને લઈને પાકિસ્તાન સતત આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની છબી ખરાબ કરવાના પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ તેને હારનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે તેને કોઈ જગ્યાએથી કોઈ જ સમર્થન મળી રહ્યું નથી.

Previous articleકન્ઝ્‌યુમર ગુડ્‌સ માર્કેટમાં ખરાબ દિવસો આવી શકે
Next articleફરાર હિરા કારોબારી નિરવ મોદી ૧૭મી સુધી કસ્ટડીમાં