નીલકંઠવર્ણી અંગે મોરારિબાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ વચ્ચે થયેલા વિવાદમાં ગુજરાતના અનેક કલાકારોએ સરધાર સ્વામિનારાયણ મંદિર તરફથી આપવામાં આવેલો ’રત્નાકર’ એવોર્ડ પરત કરી દીધો હતો. એવોર્ડ વાપસી બાદ હવે સરધાર સ્વામિનારાયણ મંદિરના સંત નિત્યસ્વરૂપદાસજીનો એક વીડિયો સામે આવ્યો છે. સ્વામિનારાયણ મંદિર સરધારના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વીડિયો બુધવારનો છે. આ વીડિયોમાં નિત્યસ્વરૂપદાસજી માફી માંગી રહ્યા છે.
સામે આવેલા વીડિયોમાં સરધાર મંદિરના નિત્યસ્વરૂપદાસજી સ્વામી કહી રહ્યા છે કે, “સર્વે ધર્મ પ્રેમી જનતાને જય સ્વામિનારાયણ, જયશ્રી કૃષ્ય, જય સિયારામ અને જય મહાદેવ. આપણે બધા સનાતન ધર્મના સંતાનો છીએ. તેને આગળ લઈ જવા માટે તમામ સક્રિય છીએ. તેમ છતાં ક્યારેય સનાતન ધર્મ કે દેવી દેવતા, દેવોના દેવ મહાદેવ કે ભગવાનના કોઈ અવતાર વિશે અમારાથી કંઈ બોલાયું હોય તો અમે ક્ષમા માંગીએ છીએ.”
ઉલ્લેખનીય છે કે નીલકંઠવર્ણી વિવાદમાં જૂનાગઢ ખાતે સંતો અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે સુખદ સમાધાન આવી ગયું હતું. જોકે, જે બાદમાં સ્વામિનારાયણના એક સંત તરફથી ગુજરાતના કલાકારો માટે વાંધાજનક નિવેદન આપવામાં આવ્યું હતું. જે બાદમાં ભીખુદાન ગઢવી, કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહિર, સાંઈરામ દવે સહિતના કલાકારોએ સ્વામિનારાયણ સંસ્થા તરફથી આપવામાં આવેલો ’રત્નાકર’ એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી હતી.