ગુજરાત સરકાર દ્વારા મહિલાનું સન્માન જળવાય અને મહિલા સશક્તિકરણ થાય તે હેતુથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ૮મી માર્ચના રોજ કરવામાં આવે છે. જે અન્વયે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવના સુચના અને માર્ગદર્શન મુજબ તાલુકા હેલ્થ ઓફિસ ધંધુકા દ્વારા ધંધુકા અને ધોલેરા તાલુકા વિસ્તારમાં ૦૮ માર્ચ-ર૦૧૮ના રોજ જન્મેલ તમામ દિકરીઓના જન્મને નન્હીપરી અવતરણ તરીકે ઉજવણી કરી વધાવવામાં આવેલ.
નન્હી પરી અવતરણ અભિયાનના ભાગરૂપે સામુહિક આરોગ્ય કેન્દ્ર ધંધુકા ખાતે જન્મેલી દિકરીના માતાને ધારાસભ્ય, ધંધુકા ડો.રાજેશભાઈ ગોહિલ દ્વારા વધામણા કરવામાં આવ્યા હતા. આ અભિયાનમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.દિનેશ પટેલ, અધિક્ષક ડો.સંકેત સેવક, આયુષ એમ.ઓ., ડો.સિરાજ દેસાઈ તેમજ ટીઆઈઈસીઓ ગીરીશભાઈ સોલંકી હાજર રહ્યાં હતા. વધુમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.દિનેશ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર તાલુકા વિસ્તારમાં ૮મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવાય છે. આ દિવસે તાલુકામાં જન્મેલ દિકરીઓને નન્હી પરી અવતરણ તરીકે બિરદાવી હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવેલ. આ દિવસે જન્મેલ તમામ દિકરીઓને મમતા કીટ, હાથ-પગના મોજા, ફરવાળો રૂમાલ, સાબુ, સેનેટરી નેપકીન, પ ગ્રામ ચાંદીનો સિક્કો તેમજ મિઠાઈનો ડબ્બો આપી દિકરી જન્મને વધારવવામાં આવ્યો હતો. આયુષ મેડીકલ ઓફિસર ડો.સિરાજ દેસાઈએ જણાવ્યું હતું કે, સમાજમાં દિકરા-દિકરીનો ભેદભાવ દુર થાય સ્ત્રીભૃણ હત્યા અટકે અને બેટી બચાવો-બેટી પઢાવો સાચા અર્થમાં સાકાર થાય તે માટે સમાજમાં જાગૃતિ કેળવવાના પ્રયત્નો થાય તે ખૂબ અગત્યનું છે.