સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં અસુવિધાઓ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

365

વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં પુરતી સુવિધાઓ આપવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. ચાર દિવસ પહેલાં હોસ્ટેલના વિદ્યાર્થીઓ દ્વારા ભોજનમાં જીવાત આવતી હોવાના આક્ષેપો સાથે ભારે હોબાળો મચાવ્યો હતો.

વડોદરા શહેરના સમા ખાતે આવેલી સમરસ હોસ્ટેલમાં ૨ હજાર જેટલા વિદ્યાર્થીઓ રહે છે. અને એમ.એસ. યુનિવર્સિટી સહિત વિવિધ શૈક્ષણિક સંકુલોમાં અભ્યાસ કરે છે. ચાર દિવસે પૂર્વે હોસ્ટેલમાં અપાતા ભોજનમાં જીવાત નીકળતા વિદ્યાર્થીઓ ભારે હોબાળો મચાવી મૂક્યો હતો. વિદ્યાર્થીઓના હોબાળા બાદ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા હોસ્ટેલની કેન્ટીનમાં ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું. અને અખાદ્ય ચિજવસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો.

આજે હોસ્ટેલના વિદ્યાર્થીઓએ પીવાના શુદ્ધ પાણી માટે આર.ઓ. સિસ્ટમ, સફાઇ, પાણી સંગ્રહ માટે ટાંકી, વારંવાર ખોટકાતી લિફ્ટ, ગુણવત્તાયુક્ત ભોજન મળતું ન હોવાના આક્ષેપો સાથે વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. વિદ્યાર્થીઓએ પ્રશ્નોનું વહેલીતકે નિરાકરણ લાવવા માટે જિલ્લા કલેક્ટરને મૌખિક રજૂઆત પણ કરી હતી. જિલ્લા કલેક્ટરે વહેલીતકે પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે હૈયાધારણા આપી હતી.

Previous article૪ મુસ્લિમ ભાઇઓએ જનોઇ ધારણ કરી પિતાના બ્રાહ્મણ મિત્રના અંતિમ સંસ્કાર કર્યા
Next articleલ્યો! હવે આવી ગયા હેલમેટ ગરબા, અમદાવાદી ખેલૈયાઓ હેલમેટ પહેરી રમશે ગરબા