મોદી બાદ અમિત શાહ સાથે મમતા બેનર્જીની લાંબી ચર્ચા

398

પશ્ચિમ બંગાળના સત્તારુઢ તૃણમુલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીમાં ચાલી રહેલી જોરદાર ખેંચતાણ વચ્ચે દિલ્હીમાં છેલ્લા બે દિવસમાં રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતૃત્વ પર સતત પ્રહાર કરનાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કર્યા બાદ આજે ગૃહમંત્રી અમિત શાહની સાથે બેઠક યોજી હતી. લોકસભા ચૂંટણી બાદ મમતા બેનર્જી પ્રથમ વખત બંને નેતાઓને મળ્યા છે.

મોદી અને શાહની સાથે મમતાના ખુશાલ મુદ્રામાં ફોટાઓ પણ રાજકીય વર્તુળોમાં પ્રશ્નો જગાવી રહ્યા છે. એકાએક ચૂંટણી નારાજગી દૂર થવા માટેના કારણો શું છે તેને લઇને તમામમાં ચર્ચા જોવા મળી રહી છે.

જો કે, મમતા બેનર્જીએ બપોરના ગાળામાં કેન્દ્રીયમંત્રી અમિત શાહ સાથે બેઠક યોજ્યા બાદ કહ્યું હતું કે, તેઓએ આસામમાં એનઆરસીના મુદ્દા ઉપર ચર્ચા કરી છે. મિડિયા સાથેની વાતચીતમાં મમતાએ એમ પણ કહ્યું હતું કે, આસામમાં એનઆરસી યાદીમાંથી મોટી સંખ્યામાં કાયદેસરના નાગરિકો પણ બહાર થઇ ગયા છે. મમતાએ ઉમેર્યું હતું કે, ગૃહમંત્રી સમક્ષ એનઆરસીને લઇને પોતાની ચિંતાઓ રજૂ કરવામાં આવી છે. ગૃહમંત્રી પણ તેમની વાતને ગંભીરતાપૂર્વક સાંભળી ચુક્યા છે. બંગાળમાં એનઆરસીને લઇને કોઇ ચર્ચા થઇ નથી. ત્યાં એનઆરસીની કોઇ જરૂર પણ દેખાઈ રહી નથી. ગૃહમંત્રી સાથે વાતચીત બાદ મમતાએ કહ્યું હતું કે, એનઆરસીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. ૧૯ લાખ લોકો એનઆરસીથી બહાર રહ્યા છે જેમાં બંગાળી ભાષાના લોકો પણ છે. કેટલાક હિન્દી ભાષી અને ગુરખા લોકો પણ છે. આ તમામ કાયદેસરના નાગરિકોને એનઆરસીથી બહાર કરાયા છે. બંગાળમાં એનઆરસીને લઇને પણ અટકળોનો દોર ચાલી રહ્યો છે. બુધવારના દિવસે મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી હતી. આમંત્રણ અપાયું હોવા છતાં મોદીના શપથગ્રહણ કાર્યક્રમમાં મમતા બેનર્જી પહોંચ્યા ન હતા. નીતિ આયોગની બેઠકોથી બહાર રહેવા, આયુષમાન ભારત અને નવા ટ્રાફિક નિયમોને બંગાળમાં લાગૂ ન કરવાને લઇને ચર્ચા થઇ હતી. અલબત્ત આ મુલાકાત દરમિયાન ખુબ સાનુકુળ માહોલમાં ચર્ચા થઇ હતી.

શાહ સાથે મુલાકાત બાદ મમતાએ કહ્યું હતું કે, પહેલા રાજનાથસિંહ જ્યારે ગૃહમંત્રી હતા ત્યારે તેમને મળતા હતા. હવે દિલ્હીમાં ખુબ કામ થવા લાગ્યા છે. કેન્દ્ર અને રાજ્યની સાથે મળીને કામ કરવાની બાબત બંધારણીય જવાબદારી પણ છે. ચૂંટણી પ્રચાર દરમિયાન લોકસભા વેળા ચૂંટણી મંચ પરથી મમતાએ અનેક વખત મોદી અને અમિત શાહની જોડીને ગુંડા, તાનાશાહ અને તોફાની ટોળકી તરીકે ગણાવી હતી. મોદી અને અમિત શાહે પણ ચૂંટણી પ્રચાર દરમિયાન મમતા બેનર્જી પર પ્રહાર કર્યા હતા. બે વર્ષ બાદ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે.

Previous articleકઠોર ટ્રાફિક નિયમોના વિરોધમાં દેશમાં હડતાળથી ભારે અંધાધૂંધી
Next articleરામ મંદિર મામલે વિઘ્ન ઉભા ન કરવા મોદીનું સુચન