લોકસભાની વર્ષ ૨૦૧૯માં યોજાયેલી ચૂંટણી દરમિયાન બીજેપીએ રાજ્યકક્ષાના પાણી પુરવઠા પ્રધાન પરબત પટેલને બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ટિકિટ આપી હતી. તેઓ લોકસભાની ચૂંટણી જીતતા તેમણે થરાદ બેઠક પરથી રાજીનામુ આપ્યું હતું. જેને કારણે થરાદ બેઠક ખાલી પડતા જ પૂર્વ પ્રધાન શંકર ચૌધરી આ બેઠક માટે દાવેદાર માનવામાં આવતા હતા. જોકે બીજેપીના કાર્યકર્તાઓએ તેમની મહેચ્છા પર પાણી ફેરવી દીધું છે. મોટાભાગના કાર્યકરોએ થરાદમાં સ્થાનિક કાર્યકર્તાને ટિકિટ આપવા રજુઆત કરી છે.થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ બીજેપીના નિરીક્ષકો સમક્ષ થરાદના કાર્યકર્તાઓ એ સ્થાનિક કાર્યકર્તાને ટિકિટ આપવા રજૂઆત કરી છે.મહત્વ ની વાત તો એ છે કે પૂર્વ પ્રધાન શંકર ચૌધરી વાવ વિધાનસભા બેઠક વર્ષ ૨૦૧૭ માં ચૂંટણી હારી ગયા હતા.
તેઓ વર્ષ ૨૦૧૯માં યોજાયેલ લોકસભાની ચૂંટણી દરમિયાન બનાસકાંઠા બેઠક પર ચૂંટણી લડવા માંગતા હતા.
જોકે તેમના બદલે બીજેપીએ રાજ્ય સરકારના પ્રધાન પરબત પટેલને ટિકિટ આપીને તેમનો છેદ ઉડાડયો હતો. હવે જ્યારે પરબત પટેલના રાજીનામાં બાદ થરાદ બેઠક ખાલી પડતા પૂર્વ પ્રધાન શંકર ચૌધરીને આશા હતી. જોકે કાર્યકર્તાઓ એ તેમની આશા પર પાણી ફેરવી દીધું છે.
સૂત્રોની વાત માનીએ તો શંકર ચૌધરી અને તેના સમર્થકોને એમ હતું કે બીજેપી તેમને થરાદ માં ટિકિટ આપીને સરકારમાં સ્થન આપશે. સરકારમાં બેઠેલા કેટલાક પ્રધાનો પણ તેમની સરકારમાં વાપસી ઇચ્છતાન હોવાથી તેઓને ટિકિટ ન મળે તે માટે સ્થાનિક ઉમેદવાર માટે રજુઆત કરાવી હોવાનું સૂત્રો કહી રહ્યા છે. જોકે ઉમેદવાર નું ફાઈનલ બીજેપી પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે.