શહેરના ભરતનગર સ્થિત સરદાર પટેલ શાળા ખાતે માતૃ સંમેલન અને સ્વચ્છતા જનજાગૃતિ અર્થે વિશેષ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ પ્રાથમિક શાળા નં.૭૬ ભરતનગર ખાતે શાળા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ શાળામાં અભ્યાસરત વિદ્યાર્થીઓની માતાઓનું માતૃ સંમેલન તથા સ્વચ્છ ભારત અંતર્ગત લોકોમાં જાગૃતિ આવે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલા અગ્રણીઓ દ્વારા કિશોર કેળવણી તથા યોગ્ય ઉછેર બાબત પર ભાર મુકવામાં આવ્યો હતો તથા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાફસફાઈ શા માટે જરૂરી અને એ અર્થે શું પગલા લેવા જોઈએ તે માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેયર નિમુબેન બાંભણીયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિલેશભાઈ રાવળ, ન.પ્રા.શિ. સમિતિના ડે.ચેરમેન મહેન્દ્રસિંહ ગોહિલ, ભરતનગર પોલીસ મથકના પીઆઈ જે.એમ. ચાવડા, સરદારનગર-દક્ષિણ વોર્ડના નગરસેવીકા દિવ્યાબેન વ્યાસ, કોર્પોરેટર ગીતાબેન વાજા સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય હરેશભાઈ રાજ્યગુરૂ, રસીકભાઈ સિધ્ધપુરા, નિરૂબેન વાઢેર સહિતના શિક્ષકગણએ જહેમત ઉઠાવી હતી.