MSMEને વધુ મોટી રાહત આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય

454

રાજ્ય સરકારે ગ્રીન-ક્લિન એનર્જી ઉત્પાદનને વેગ આપવા સાથે એમએસએમઇ એકમોને પણ સૌર ઊર્જા ઉત્પાદનનો વ્યાપક લાભ મેળવી શકે તેવો મહત્વલક્ષી નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી રૂપાણીએ આ નિર્ણયની જાહેરાત ઊર્જામંત્રી સૌરભ પટેલની ઉપસ્થિતિમાં કરી હતી. આ અંગે ઊર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, સૌર ઊર્જા ઉત્પાદનમાં એમએસએમઇ એકમોને વધુ રાહત આપતા રાજ્ય સરકારના આ નિર્ણય મુજબ અગાઉ સોલાર પ્રોજેકટના ઇન્સ્ટોલેશન માટે મંજૂર લોડના ૫૦ ટકા કેપેસિટીની નિયત કરાયેલી મર્યાદા દૂર કરી દેવામાં આવી છે. હવે, એમએસએમઇ એકમો મંજૂર થયેલા લોડના ૧૦૦ ટકાથી વધારે ક્ષમતાની સોલાર એનર્જી સીસ્ટમ સ્થાપિત કરી શકશે. જો એમએસએમઇ એકમો પોતાના સ્વવપરાશ બાદની વધારાની સૌરઊર્જા ગ્રીડમાં આપશે તો રાજ્ય સરકારની વીજ કંપની અંદાજે રૂ. ૧.૭૫ પ્રતિ યુનિટના ભાવે ખરીદશે. આ સમગ્ર મામલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, મંદી એક હવા છે અને એક પણ એમએસએમઇ એકમ બંધ થયું નથી. રાજ્ય સરકારે સૌર ઊર્જા ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા ૨૦૧૫માં સોલાર પોલિસી જાહેર કરી હતી. જેનો વ્યાપ વધારીને તેમજ સમયાનુકુલ જરૂરી બદલાવ સાથે એમએસએમઇ એકમોને પણ સોલાર એનર્જી ઉત્પાદન માટે પ્રેરિત કરવા આ પોલિસી અંતર્ગત વિશેષ છૂટાછટ આપવાનું રાજ્ય સરકારે નિર્ધારીત કર્યું છે. ઊર્જા મંત્રીએ વધુમાં જણાવ્યું કે, મુખ્યમંત્રીના આ નિર્ણયને પરિણામે એમએસએમઇ એકમો હાલ વીજ વપરાશ માટે વીજ કંપનીને રૂ.૮ જેટલી રકમ આપે છે તે આવી સોલાર એનર્જીના ઉત્પાદનથી ઘટી જતાં અંદાજે ૩ રૂપિયા જેટલો એમએસએમઇ એકમોને આર્થિક ફાયદો પણ થવાનો છે. એટલે કે જે એમએસએમઇ એકમો પોતાની જગ્યા કે જમીન પર સોલાર એનર્જી ઉત્પાદન કરે તો અંદાજે ૩.૮૦ રૂપિયા અને ભાડાની અન્યત્ર જગ્યા પર કરે તો અંદાજે ૨.૭૫ જેટલો ફાયદો થશે. ઊર્જા મંત્રી સૌરભ પટેલ મુજબ, આ નિર્ણયની વિશેષતા એ છે કે એમએસએમઇ એકમ અન્ય પાર્ટી પાસેથી એટલે કે થર્ડ પાર્ટી પાસેથી પણ સોલાર એનર્જી-સૂર્યઊર્જા ખરીદી શકશે.

જો એમએસએમઇ એકમો પાસે સૌર વીજ ઉત્પાદન માટેની વ્યવસ્થા ન હોય તો અન્યત્ર ભાડાની જગ્યામાં પણ તે સૌર ઊર્જા ઉત્પાદન કરીને ક્લિન-ગ્રીન એનર્જી મેળવી શકશે.

Previous articleલો પ્રેશરની પરિસ્થિતિ વચ્ચે ગુજરાતમાં વરસાદી માહોલ
Next articleબુલેટ ટ્રેન માટે જમીન સંપાદનને હાઈકોર્ટે લીલીઝંડી આપી