અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે વિધાનસભા અનુસૂચિત જાતિઓના કલ્યાણ સમિતિના સભ્યોએ અભ્યાસ પ્રવાસ ગોઠવી અનુસૂચિત જાતિના સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજી હતી અને અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નો અને રજૂઆતો સાંભળી હતી. આ બેઠકમાં શિપ બ્રેકિંગ યાર્ડના આગેવાનો દ્વારા હયાત પ્લોટમાં અનામત, અરસ પરસ પ્લોટની ફેરબદલી, પ્લોટની પુનઃફાળવણી, વેગન પ્લોટના સ્થાને તમામ પ્લોટમાં ૭% ટકા તેમજ ૧૪% રિઝર્વેશન, ડિફોલ્ટર થયેલ પ્લોટ ધારકો ના કેસ રીવ્યુ કરવા, અનુસુચિત જાતિઓને ઉદ્યોગમાં યોગ્ય હિસ્સેદારી આપવી, બેંક સી.સી, પ્લોટ ફાળવણી વગેરે જેવી બાબતો પર અનુસૂચિત જાતિઓ માટે અલગથી વ્યવસ્થા કરવી, તેમજ નાણાકીય, વહીવટી તથા વેચાણ બાબતે યોગ્ય વ્યવસ્થા કરવા રજૂઆત કરાઈ હતી. આગેવાનો દ્વારા રજૂ કરાયેલ તમામ પ્રશ્નો અને રજૂઆતને સમિતિએ સાંભળી હતી અને અધ્યક્ષ શ્રી પ્રદીપભાઈ પરમારે જણાવ્યું હતું કે ભવિષ્યમાં આ અંગેના તમામ લાભો અનુસૂચિતજાતિઓને મળી રહે તે માટે ઘટતું કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમજ રજૂ થયેલ પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવામાં આવશે. આ બેઠકમાં વિધાનસભા અનુસૂચિત જાતિ કલ્યાણ સમિતિના અધ્યક્ષ પ્રદીપભાઈ પરમાર, સભ્યો પ્રવિણભાઈ મારુ, નૌસાદભાઈ સોલંકી, કરસનભાઈ સોલંકી, પ્રવીણભાઈ મુસડિયા, તેમજ એસ.સી, એસ.ટી શીપ યાર્ડ એસોસિએસનના ડો.જોગદિયા, રતીભાઈ મકવાણા, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ બી.જે. સોસા, પોર્ટ ઓફિસર ચઢ્ઢા, ગુજરાત મેરીટાઇમ બોર્ડના મુકેશભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા.