ગુજરાતનાં ભાવનગર જીલ્લાનાં ઘોઘા ગામનાં સરપંચે સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં બાંધકામનાં કામ અર્થે જઈ અને અટવાઈ ગયેલાં ૬૧ ભારતીયોને પરત ભારત લાવવામાં મદદ માટે વિદેશ પ્રધાન એસ. જયશંકરને એક અરજી લખી છે.
ભાવનગરનાં અધિકારીઓના જણાવ્યા મુજબ, ભારતીય કામદારો, જેમાંથી આઠ ગુજરાતનાં ભાવનગર જિલ્લાનાં ઘોઘા ગામનાં છે, તેઓ લગભગ છેલ્લાં બે વર્ષથી તેઓની વર્ક પરમિટની મુદત પુરી થઈ હોવાથી રિયાધમાં અટવાયેલા છે અને જો તેઓ જે કમ્પાઉન્ડમાં રહે છે તે છોડે તો તેઓની ધરપકડ થવાનો ભય છે. કેટલાક કામદારોની વર્ક પરમિટ તો જૂન ૨૦૧૮માં સમાપ્ત થઈ ગઈ છે.
ઘોઘા પીરમ જૂથ ગ્રામ પંચાયતનાં સરપંચ અન્સાર રાઠોડે ૪ સપ્ટેમ્બરનાં રોજ ભારતનાં વિદેશમંત્રીને પત્ર લખી તથા રાજ્ય અને જિલ્લા વહીવટી તંત્રને પત્રની નકલો મોકલી કામદારોની દુર્દશા પર તાકીદે ધ્યાન આપવાં વિનંતી કરી હતી. આ ફસાયેલાં કામદારો પૈકી એક શ્રી મોહમ્મદ યાસીન ગુલામભાઈ શેખ હતા, જેઓની પાસે માન્ય વર્ક પરમીટ હોવાથી તેઓ સાઉદી અરેબિયાથી નીકળવામાં સફળ થયાં છે. જો કે, ઘોઘાનાં હજુ સાત અને ગુજરાતના અન્ય ભાગોમાંથી ૧૨ લોકો કેટલાય મહિનાઓથી કોઈ પગાર વિના ત્યાં ફસાયેલા હોવાનો દાવો કરવામાં આવે છે.
અંગ્રેજી અખબાર મિરરે ભાવનગરનાં કલેક્ટર ગૌરાંગ મકવાણા સાથે વાત કર્યા બાદ મામલો જિલ્લા અધિકારીઓનાં ધ્યાન પર આવ્યો હતો, જેમણે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે મામલતદારને તુરંત સુચના આપી હતી.રિયાધની પરિસ્થિતિ વિશે બોલતા, યાસીન શેખે જણાવ્યું હતું કે, યુએઈમાં “જે એન્ડ પી” તરીકે નોંધાયેલ અને સાઉદી અરેબિયામાં સાઉદી સ્પેશ્યાલીસ્ટ કન્સ્ટ્રકશન લીમીટેડનાં નામ પર કામ કરતી આ કન્સ્ટ્રકશન કંપનીમાં સમસ્યાઓ શરૂ થઈ હતી અને મેનેજમેન્ટે કથિત રીતે કામદારોને છુટા પણ કર્યા હતાં. હાલ ૬૧ ભારતીય, ૩ શ્રીલંકન, ૩ બાંગ્લાદેશી અને ૧ પાકિસ્તાની નાગરિક સહિત ૬૮ લોકો દયનીય સ્થિતિમાં જીવી રહ્યા છે. સરપંચે લખેલ પત્રમાં પણ એવો દાવો કરવામાં આવ્યો છે કે કંપનીનાં ગેરવહીવટને કારણે ભારતીયો ત્યાં ફસાયેલા છે.
સાઉદી અરેબિયાની સ્થાનિક લેબર કોર્ટે તેમની કમ્પનીને કામદારોને ખોરાક, પાણી અને અન્ય પાયાની સુવિધાઓ પૂરી પાડવાની ફરજ પાડી તે પહેલાં આ કામદારોએ ઘણાં દિવસો અનાજ, પાણી, લાઈટ જેવી પાયાની સુવિધા વગર કાઢ્યા હતાં.
૫૨ વર્ષિય યાસીન શેખે આ એક જ કંપનીમાં ૨૮ વર્ષ કામ કર્યું છે. તેઓનું કહેવું છે “મેં ઘણા વર્ષો સુધી કામ કર્યું અને તેમ છતાં તેઓએ (કંપનીએ) કેટલાક મહિનાના પગાર આપ્યા વગર જ અમને છોડી દીધા અને મને મારી ગ્રેચ્યુટી અને અન્ય લાભો પણ મળ્યા નથી. હું મારી પાસે જેટલા પૈસા હતા તે સાથે હું ભારત પાછો આવ્યો છું”.
સરપંચ શ્રી અન્સાર રાઠોડનાં કાકા ઈકબાલભાઈ ઈસ્માઈલભાઈ રાઠોડ ઘોઘાનાં સાત લોકોમાંથી એક છે જે હજી રિયાધમાં અટવાયેલ છે. તેમણે કહ્યું, “કંપનીએ તેમના પાસપોર્ટ પરત કર્યા હતા પરંતુ વર્ક પરમિટની મુદત પુરી થઈ હોવાથી તે કોઈ કામનાં નથી. જો તેઓ કમ્પાઉન્ડ છોડે તો તેમને ધરપકડનો સામનો કરવો પડે એમ છે.”
ભાવનગરનાં કલેકટર મકવાણાએ જણાવ્યું હતું કે “મામલતદાર તાત્કાલીક પરિસ્થિતિનો તાગ લેશે. દરમિયાન, અન્ય અધિકારીઓ ભારતમાં કંપનીની સ્થાનિક ઓફિસો શોધી કાઢવાનો પ્રયાસ કરશે અને સમસ્યા અંગે તેઓનો સંપર્ક કરશે. તેમણે કહ્યું, “અમે શક્ય તે રીતે તેમને મદદ કરીશું અને જો મામલો ગંભીર હોય તો (જો કે તેમ લાગે જ છે), તો અમે લોકોને પાછા લાવવા રાજ્ય અને રાષ્ટ્રીય અધિકારીઓનો સંપર્ક કરીશું”.
“ઘોઘાનાં સાત અને ગુજરાતનાં અન્ય ભાગોમાંથી ૧૨ વ્યક્તિઓ હજી પણ રિયાધમાં અટવાયેલ છે. તેમને ઘણાં મહિનાઓથી કોઈ પગાર મળ્યો નથી.” ઘોઘાનાં સરપંચ અન્સાર રાઠોડે એમ.ઇ.એ.ને આપેલા પત્રમાં લખ્યું છે.