દીકરો દીકરી એક સમાન કે પછી બેટી બચાવોના અભિયાનો સરકાર દ્વારા જોર શોરથી ચલાવવામાં આવે છે પરંતુ સમાજમાં હજુ તેની સમજ પ્રમાણમાં નહિવત હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. લિંબાયતમાં રહેતી પરિણીતાએ બાળકીને જન્મ આપ્યા બાદ પતિ અને તેના સાસરિયા દ્વારા શારિરીક માનસિક રીતે હેરાન કરવામાં આવતી હતી. પતિ છોડીને જતો રહ્યા બાદ પરિણીતા તેની માતા સાથે સાસરિયાઓને મનાવવા ગઈ તો ત્યાં સાસરિયાવાળાએ પરિણીતાની માતાને માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
માતાને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવનાર પરિણીતાએ જણાવ્યું હતું કે, તેના લગ્ન પાંચ વર્ષ અગાઉ દીપક માળી સાથે થયા હતાં. નવ મહિના પહેલા તેણીએ દીકરીને જન્મ આપ્યો હતો. ત્યારથી પરિવાર દ્વારા યોગ્ય કાળજી લેવાતી નહોતી. જો કે, થોડા દિવસો અગાઉ તેના દિયરના ઘરે દીકરાનો જન્મ થયો ત્યારથી ઝઘડો શરૂ થયો હતો. પતિને પણ સાસુ સસરા ચડાવતા કે તેને દીકરી છે માટે તેને છોડીને આવતો રહે. પતિ છોડીને જતો રહ્યો બાદમાં તેણી પિયર જતી રહી હતી. પિયરથી માતા દગુબેનને લઈને સમજાવવા સાસરિયામાં ગઈ ત્યાં માતાને માર મરાયો હતો.