મોટર વ્હિકલના નવા નિયમોને લઈને લોકો લાયસન્સ કઢાવવા મોટી સંખ્યામાં પાલ સ્થિત આરટીઓ કચેરીએ પહોંચે છે. આરટીઓ કચેરી ખાતે વારંવાર જતી વીજળીના કારણે કામકાજ ઠપ્પ થઈ જતાં કલાકો સુધી લોકોને લાઈનોમાં ઉભા રહેવાની ફરજ પડે છે. આરટીઓ કચેરીએ લાઈસન્સ, એચએસઆરપી નંબર પ્લેટ સહિતના કામો માટે લોકો દૂર દૂરથી પાલ સ્થિત આરટીઓ કચેરીએ લાઈનોમાં ઉભા રહે છે. પરંતુ જેવો વારો આવે કે થોડીવાર હોય ત્યાં લાઈટ જતી રહેતાં કામકાજ ઠપ્પ થઈ જાય અને વળી લોકોને હેરાનગતિનો સામનો કરવો પડે છે. રાકેશ પાલે જણાવ્યું હતું કે, વારંવાર લાઈટના કારણે ખોરવાતા કામને લઈને તેને થોડા કામ માટે કલાકો સુધી તપ ધરવાની ફરજ પડી હતી.
પાલ ખાતેની નવી આરટીઓ ઓફિસમાં જનરેટરની સુવિધા ન હોવાથી લાઈટ જાય ત્યારે લોકોને હેરાનગતિનો સામનો કરવો પડે છે. જનરેટરની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે પણ કાર્યવાહી કરવામાં આવી હોવાનું આરટીઓના સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.