મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, પત્રકારિતા એ રાષ્ટ્રની ચોથી જાગીર છે. સમાજના નિર્માણમાં મીડિયાની જવાબદારી મોટી છે. પત્રકારોની કલમમાં તાકાત હોય છે, પત્રકારના તંત્રી લેખ કટાર લેખ ભલભલી સરકારને જગાડે છે, એમ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રી ગુજરાત મીડિયા ક્લબના (જી.એમ.સી) એવોર્ડ વિતરણ સમારોહ અને ૧૪ માં સ્થાપના દિનની ઉજવણી નિમીત્તે સંબોધન કરી રહ્યા હતા. વિવિધ શ્રેણીમાં એવોર્ડ પ્રાપ્ત કરનાર પત્રકારોને બિરદાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયાનાં જમાનામાં આજે પણ સમાચાર પત્રનું મહત્વ યથાવત છે. મુખ્યમંત્રીએ કહ્યુ કે, પત્રકાર સમાજના સુવ્યવસ્થિત નિર્માણમાં અને સમાજના સુખ-દુઃખમાં ભાગીદાર બની જન-અવાજ બને એ વાંછનીય છે. વિજય રૂપાણીએ સાતત્યપૂર્ણ રીતે પત્રકારોમાં કેપેસીટી બીલ્ડીંગ માટેના જીએમસીના પ્રયાસોને બિરદાવ્યા હતા. ગુજરાત મીડિયા ક્લબના (જી.એમ.સી) પ્રમુખ નિર્ણય કપૂરે જણાવ્યું હતું કે, ગુજરાતી પત્રકારીતાના ક્ષેત્રે અનેક પત્રકારોનું આગવું યોગદાન રહ્યું છે. તેઓના આ કાર્યનુ દસ્તાવેજીકરણ સતત થતું રહે તે સમયની માંગ છે. પત્રકારીતા ક્ષેત્રના તકનીકી પડકારોને પહોંચી વળવા માટે પત્રકારોને વ્યવસાયિક કૌશલ્યો હસ્તગત કરવા અપીલ કરી હતી. આ પ્રસંગે જીએમસી દ્વારા પ્રિન્ટ ન્યૂઝ રિપોર્ટ ઓફ ધી યર, ફોટોગ્રાફ ઓફ ધી યર અને ઓનલાઈન સ્ટોરી ઓફ ધી યર સહિતની વિવિધ શ્રેણીઓમાં એવોર્ડ જાહેર થયા હતા.
વિજેતા પત્રકારોને મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, જીએમસીના ઉપપ્રમુખ ઋતમ વોરા, એવોર્ડના જ્યુરી મેમ્બર, સમારોહ સ્પોન્સર ઓએનજીસીના દેવાશિષ બાસુ, ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ હિમાંશુ પંડ્યા, નિવૃત મુખ્ય સચિવ પીકે લહેરી, રાજ્યના વરિષ્ઠ પત્રકારો અને મીડિયા જગત સાથે સંકળાયેલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.